તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Saturday, 9th August 2025
લીંબડીમાં બે યુવકો વચ્ચે મારામારી :કાચની બોટલોના છુટા ઘા ઝીંકાતા એક યુવક ગંભીર
શરૂઆતમાં મૌખિક બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો: બંને યુવકોએ એકબીજા પર કાચની બોટલોથી હુમલો કરવાનું શરૂ કરી દીધું

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કરતી એક ઘટના સામે આવી છે. શહેરના શાકમાર્કેટ વિસ્તાર પાસે બે યુવકો વચ્ચે સામાન્ય બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થઇ હતી, જે બાદ પરિસ્થિતિ એટલી હદે વણસી કે બંનેએ એકબીજા પર કાચની બોટલોના છૂટા ઘા કર્યા હતા. આ મારામારીમાં એક યુવકને ગંભીર ઈજાઓ થતાં તેણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ અંગે મળતી વિગત મુજબ લીંબડીના શાકમાર્કેટ પાસે બે યુવકો કોઈ અંગત બાબતને લઈને ઝઘડી રહ્યા હતા. શરૂઆતમાં મૌખિક બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. લોકો કંઈ સમજે તે પહેલા જ બંને યુવકોએ એકબીજા પર કાચની બોટલોથી હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું. આ દ્રશ્યો જોઇને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો અને તેઓ દૂર ભાગી ગયા હતા. આ મારામારીમાં એક યુવકના માઠા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તે જમીન પર ઢળી પડ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ લીંબડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરી હતી, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણ લીધી હતી અને બીજા યુવકની પણ અટકાયત કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં મારામારી પાછળનું ચોક્કસ કારણ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પોલીસે આ ઘટનાને લઈને ફરિયાદ નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.
(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
