<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

માતાના મઢમાં પતરી વિધિના રાજવી પરિવારના વિવાદમાં કચ્‍છના મહારાવનો ૨૦ કરોડનો અને તેમના પ્રતિનિધિનો ૪ કરોડનો બદનક્ષીનો દાવો કોર્ટે ફગાવ્‍યો

મહારાવ પ્રાગમલજી ત્રીજાના અવસાન બાદ તેમના પત્‍ની પ્રીતિદેવી અને પ્રતિનિધિ જુવાનસિંહના અવસાન બાદ તેમના પુત્ર ઇન્‍દ્રજીતસિંહ કેસમાં જોડાયા હતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૧:  નખત્રાણા કોર્ટ દ્વારા માતાના મઢ પતરી વિધિ અંગે થયેલ માનહાનિના દાવા સંદર્ભે થયેલ કોર્ટ કેસમાં મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા (કુંવર પળથ્‍વીરાજસિંહ જાડેજા)નો ૨૦ કરોડ રૂપિયાનો અને નલિયાના જુવાનસિંહ જાડેજાનો ૪ કરોડનો માનહાનિનો દાવો કોર્ટે ફગાવી દેતા આ કોર્ટ કેસમાં માતાના મઢ જાગીરના મહંત રાજાબાવા યોગેન્‍દ્રસિંહજી ની જીત થઈ છે. આ સમગ્ર બાબત જોઈએ તો કચ્‍છમાં નવરાત્રિ દરમ્‍યાન રાજવી પરિવાર દ્વારા કુળદેવી આઈ આશાપુરા માતાજીના મંદિર માતા ના મઢ મધ્‍યે પતરી વિધિની પરંપરાગત પૂજાવિધિ યોજાય છે. કચ્‍છની આ રાજાશાહી પરંપરા વચ્‍ચે વર્ષ ૨૦૦૯ માં આ પતરી વિધિની ધાર્મિક પરંપરામાં વિવાદ સર્જાયો હતો અને અંતે રાજવી પરિવારનો આ વિવાદ અદાલતના દ્વારે પહોંચ્‍યો હતો.

મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજા (કુંવર પળથ્‍વીરાજસિંહ જાડેજા) એ વર્ષ ૨૦૦૯ માં નવરાત્રિ દરમ્‍યાન માતાનામઢ ખાતે મા આશાપુરાના મંદિરે તેમના પ્રતિનિધિ નલિયાના જુવાનસિંહ જાડેજાના હાથમાં ચામર આપી પતરીવિધિ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્‍યારે મંદિરના મહંત રાજાબાવા યોગેન્‍દ્રસિંહજીએ તેમને અટકાવ્‍યા હતા. જેથી મહારાવ ત્રીજાએ મંદિરના મહંત સહિત અન્‍ય લોકો વિરુદ્ધ તેમની માનહાનિ અંગેનો નખત્રાણા કોર્ટમાં કેસ કર્યો હતો.

મહારાવશ્રી ત્રીજા (કુંવર પળથ્‍વીરાજસિંહ) દ્વારા ૨૦ કરોડ રૂપિયાના કરાયેલ બદનક્ષી કેસમાં તેમનું અવસાન થતા તેમના પત્‍ની પ્રીતીદેવી કેસમાં સામેલ થયા હતા. મહારાવની જેમ નલિયાના જુવાનસિંહ જાડેજાએ પણ આબરૂ ગઈ હોવાનું માની રૂપિયા ૪ કરોડનો માનહાનિનો કેસ કર્યો હતો અને તેમનું પણ અવસાન થતા તેમના દીકરા ઇન્‍દ્રજીતસિંહ જાડેજા આ કેસમાં જોડાયા હતા.

આ કેસમાં માતાના મઢ આશાપુરા માતાજીના મંદિરના મહંત રાજાબાવા યોગેન્‍દ્રસિંહજીએ નખત્રાણા કોર્ટમાં દલીલ કરી હતી કે પતરીવિધિ જવાબદાર વ્‍યક્‍તિ કરે છે કે નહિ તે જોવાની તેમની ફરજ છે. જુવાનસિંહ જાડેજા રાજવી પરિવારમાંથી ન આવતા હોવાથી તેમને વિધિ કરતા અટકાવ્‍યા હતા. આ ઉપરાંત બદનક્ષીના કેસમાં જેમની માનહાનિ થઇ હોય તે વ્‍યક્‍તિ અન્‍ય કોઈને અધિકળત કરીને કેસ લડવાનો પાવર ન આપી શકે.

કોર્ટે બન્ને પક્ષની દલીલો સાંભળી આધાર પુરાવાને ધ્‍યાને રાખી મહારાવશ્રી પ્રાગમલજી ત્રીજાનો ૨૦ કરોડનો દાવો અને જુવાનસિંહ જાડેજાનો ૪ કરોડનો માનહાનિનો દાવો ફગાવી દેતા માતાના મઢ મંદિરના મહંત રાજાબાવા યોગેન્‍દ્રસિંહજીની જીત થઇ છે. આ કેસમાં મંદિરના મહંત યોગેન્‍દ્રસિંહજી રાજાબાવા તરફથી કેસની દલીલો એડવોકેટ યોગેશ ભંડારકર અને અન્‍ય વતી એડવોકેટ જે.કે. ઠક્કરે કરી હતી.

(11:29 AM IST)