<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

‘‘છોટીકાશી''માં પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવાલયોમાં શિવભકતો ઉમટયા

નગરના અનેક નાના મોટા શિવાલયોમાં‘‘'હર હર મહાદેવનો નાદ સાથે શિવ આરાધના''

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૧ : ‘‘છોટી કાશી'' નું બિરૂદ પામેલા જામનગર શહેરમાં શ્રાવણ માસમાં ભોળાનાથની આરાધનાથી શિવમય વાતાવરણ હોય છે. વિશેષ કરીને દર સોમવારે શિવાલયોમાં ભક્‍તોની મેદની ઉમટે છે અને વિવિધ વિશેષ ઝાંખી તથા ધર્મોત્‍સવ પણ યોજાય છે. આજે શ્રાવણ માસનાં ત્રીજા સોમવારે પણ નગરનાં પૌરાણિક તથા પ્રસિદ્ધ શિવ મંદિરોમાં વહેલી સવારથી ભક્‍તો ઉમટયા હતાં.

શિવ ભક્‍તોએ શિવલિંગ પર  જલાભિષેક કરી તથા બિલીપત્ર અર્પણ કરી તુરંત પ્રસન્ન થનારા ભગવાન આશુતોષનાં આશિષ મેળવવા પ્રાર્થના કરી હતી.

નાગેશ્વર વિસ્‍તારમાં આવેલ તથા શહેરની સ્‍થાપના પૂર્વેનાં માનવામાં આવતા પુરાણપ્રસિદ્ધ શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ભક્‍તોએ હર હર મહાદેવનો જયઘોષ કર્યો હતો.શ્રી નાગેશ્વર મહાદેવનાં અતિ પ્રાચીન મંદિરે પણ ભક્‍તો દર્શન - અભિષેક માટે પહોંચ્‍યા હતાં. અહીં વિરાટ શિવલિંગ સાથે ગર્ભગળહમાં નવગ્રહની સ્‍થાપના પણ થયેલ હોય કુંડળીનાં દોષોની મુક્‍તિ માટે પણ લોકો અહીં શિષ ઝૂકાવે છે. નગરની મધ્‍યમાં ટાઉનહોલ નજીક ગૌરવ પથ પર આવેલ સુપ્રસિદ્ધ શ્રી ભીડભંજન મહાદેવ મંદિરે પણ પરોઢીયે આરતી સમયથી જ ભક્‍તોની ભીડ જોવા મળી હતી. કે.વી. રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે પણ સોમવારે ભક્‍તિમેળા જેવું વાતાવરણ સર્જાયુ હતું અને ૐ નમઃ શિવાયનાં નાદ  સાથે વાતાવરણ પાવન બન્‍યું. હતું.  સત્‍યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે ભસ્‍મ આરતીમાં ભગવાન મહાકાલ સ્‍વરૂપનાં દર્શન કરીને ભક્‍તો ધન્‍ય થયા હતાં. પંચવટી વિસ્‍તારમાં આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિરે પણ ભક્‍તો શ્રદ્ધાપૂર્વક જલાભિષેક તથા શિવ આરાધના માટે એકઠા થયા હતાં.

શહેરની લોકમાતા રંગમતિ - નાગમતિ નદીનાં તીરે પણ પ્રાચીન શિવાલયો આવેલ છે. જે પૈકી ખોજા નાકા નજીક નળવાળી વાવ પાછળનાં માર્ગે વાડી વિસ્‍તારમાં  રંગમતિ નદીનાં ઘાટ પાસે આવેલ શ્રી સુખનાથ મહાદેવ મંદિરે તથા તેનાથી પણ અંદરનાં દુર્ગમ કહી શકાય એવા નદી કાંઠાની ટેકરી પર આવેલ શ્રી મણીકણીકંકેશ્વર મહાદેવ મંદિરે પણ નિયમિત પૂજા કરતા ભક્‍તો શિવજીનાં આશિષ પ્રાપ્ત કરવાની મહેચ્‍છા સાથે પૂજા અર્ચના કરવા પહોંચ્‍યા હતાં.

ભક્‍તોની ભીડ થવાની સ્‍થિતિમાં સુરક્ષા માટે પોલીસ વિભાગ અને હોમગાર્ડનાં જવાનોનો અલગ અલગ શિવ મંદિરોના દ્વારે બંદોબસ્‍ત મૂકવામાં આવ્‍યો હતો. ઉપરાંત શહેરનાં મુખ્‍ય માર્ગો પર ટ્રાફિકની સમસ્‍યા ન સર્જાય તે માટે શહેર ની મધ્‍યમાં આવેલા શિવ મંદિરોની બહાર પણ ટ્રાફિક પોલીસનાં જવાનો તેમજ ટ્રાફિક બ્રિગેડના જવાનોને પણ મૂકવામાં આવ્‍યા છે. આજે સાંજે વિવિધ શિવાલયોમાં મહાઆરતી, વિશેષ ઝાંખી સહિતનાં આયોજનો કરવામાં આવ્‍યા છે.

(1:28 PM IST)