તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 11th August 2025
જામનગર રવિવારે મેઘરાજાએ હેત વરસાવ્યું: સમગ્ર દિવસ દરમિયાન પોણાં બે ઇંચ વરસાદ
ધ્રોલમાં અડધો ઇંચઃ કાલાવડ અને જામજોધપુરમાં વરસાદી ઝાપટાં વરસ્યાઃ અન્ય તાલુકા મથકોમાં મેઘાવી માહોલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : તા ૧૧, જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રવિવારે ફરીથી મેઘાવી માહોલ છવાયો હતો, અને જામનગર શહેરમાં મોડી સાંજ સુધીમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ધ્રોળ માં અડધો ઇંચ અને કાલાવડ તેમજ જામજોધપુર માં પણ વરસાદી ઝાપટાં વરસ્યા હતા. અન્ય તાલુકામાં પણ વરસાદી માહોલ બંધાયેલો છે.
જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસના ભારે ઉકળાટ અને આકરો તાપ પડ્યા પછી રવિવારે વહેલી સવારથી હવામાન પલટાયું હતું, અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. જેમાં બપોરે ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો હતો, અને સાંજે ૭:૩૦ વાગ્યા સુધીમાં ૪૦ મી.મી. પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. ઉપરાંત આજે પણ વરસાદી વાતાવરણ બનેલું છે.
જામનગર શહેર બાદ ધ્રોળ અને જામજોધપુરમાં પણ સવારથી વરસાદી વાતાવરણ બન્યા બાદ બપોરે વરસાદી ઝાપટું વરસી ગયું હતું. આજે સવારે ૮.૦૦ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન ધ્રોળમાં ૧૫ મી.મી., કાલાવડમાં પાંચ મી.મી., અને જામજોધપુરમાં બે મી.મી. વરસાદ નોંધાયો છે. અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ સુર્યદેવતાના દર્શન દુર્લભ બન્યા છે, અને વાદળછાયુ વાતાવરણ બનેલું છે. જામનગર તાલુકાના દરેડ ગામમાં ગઈકાલે સાંજે ૨૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત નારાણપર અને અલિયા ગામમાં ૧૫ મી.મી., વસઈ માં ૧૨ મિ.મી., સપડામાં ૧૨ મી.મી. અને ફલ્લામાં ૧૪ મી.મી. વરસાદ નોંધાયો હતો.
(1:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
