<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th August 2025

ધ્રોલ પોલીસ અને સરપંચો વચ્‍ચે સંવાદનો સેતુ : ગ્રામ્‍ય સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા પરિસંવાદ

ધ્રોલ પોલીસ સ્‍ટેશન ખાતે પી.આઈ. એચ.વી. રાઠોડની અધ્‍યક્ષતામાં તાલુકાની ૪૦ ગ્રામ પંચાયતોના સરપંચો સાથે સીધો સંવાદ કરવામાં આવ્‍યો : રાજ્‍યવ્‍યાપી અભિયાનના ભાગરૂપે પોલીસ અને ગ્રામ્‍ય પ્રશાસન વચ્‍ચે સુમેળ અને સહયોગ વધારી ગ્રામીણ પોલીસિંગને વધુ અસરકારક બનાવવાનો મુખ્‍ય ઉદ્દેશ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ, તા.૧૧: ગ્રામીણ વિસ્‍તારોમાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિને વધુ મજબૂત અને અસરકારક બનાવવાના ઉમદા હેતુ સાથે આજે રાજ્‍યભરમાં એક નવતર અભિયાન હાથ ધરવામાં આવ્‍યું છે. આ અભિયાનના ભાગરૂપે, જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્‍ટેશન ખાતે આજરોજ એક મહત્‍વપૂર્ણ ‘પોલીસ-સરપંચ પરિસંવાદ' કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય પોલીસ અને ગ્રામ્‍ય સ્‍તરના વહીવટી તંત્રના પ્રથમ ચરણ એવા સરપંચો વચ્‍ચે સીધો સંવાદ સ્‍થાપિત કરી, પરસ્‍પર સુમેળ અને સહયોગ વધારીને ગ્રામીણ પોલીસિંગને વધુ લોકાભિમુખ બનાવવાનો હતો.

આજરોજ સવારે સાડા અગિયાર કલાકે ધ્રોલ પોલીસ સ્‍ટેશનના ઙ્કાંગણમાં આયોજિત આ પરિસંવાદમાં ધ્રોલ તાલુકા હેઠળ આવતી ૪૦ જેટલી ગ્રામ પંચાયતોના સરપંચોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. ધ્રોલ પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર શ્રી એચ.વી. રાઠોડના અધ્‍યક્ષ સ્‍થાને આ કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠક દરમિયાન, પી.આઈ. રાઠોડે ઉપસ્‍થિત તમામ સરપંચો સાથે સીધો સંવાદ કર્યો હતો અને ગ્રામ્‍ય સ્‍તરે ઉદભવતા પ્રશ્‍નો સુરક્ષા સંબંધિત પડકારો અને સ્‍થાનિક સમસ્‍યાઓ અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરી હતી. તેમણે જણાવ્‍યું કે સરપંચ એ ગામના પ્રથમ નાગરિક અને પોલીસના સાચા અર્થમાં આંખ અને કાન છે. જો પોલીસ અને સરપંચ વચ્‍ચે સંવાદનો સેતુ મજબૂત હોય તો અનેક નાના-મોટા પ્રશ્‍નોને ગામ સ્‍તરે જ ઉકેલી શકાય છે અને ગંભીર ગુના બનતા અટકાવી શકાય છે.

આ કાર્યક્રમ, જે રાજ્‍યભરના પોલીસ સ્‍ટેશનોમાં ‘ઓપન સંવાદ' તરીકે યોજાઈ રહ્યો છે, તેનો મુખ્‍ય હેતુ પોલીસ અને જનતા વચ્‍ચેના અંતરને ઘટાડવાનો છે. પી.આઈ. એચ.વી. રાઠોડે વધુમાં ઉમેર્યું હતું કે પોલીસ અને સરપંચ વચ્‍ચે સુમેળભર્યો અને સહયોગપૂર્ણ સંબંધ અત્‍યંત આવશ્‍યક છે. આ પ્રકારના સંવાદથી પોલીસને સ્‍થાનિક સ્‍તરની ગુપ્ત માહિતી મેળવવામાં, સામાજિક તકરારોને સમયસર ઉકેલવામાં અને ગામમાં શાંતિનું વાતાવરણ જાળવવામાં ઘણી મદદ મળે છે. આ બેઠકમાં સરપંચો દ્વારા પણ પોતાના ગામની સમસ્‍યાઓ અને સૂચનો રજૂ કરવામાં આવ્‍યા હતા, જેને પોલીસે ગંભીરતાપૂર્વક નોંધીને તેના નિરાકરણ માટે ખાતરી આપી હતી. આ કાર્યક્રમથી આવનારા સમયમાં ધ્રોલ તાલુકાના ગ્રામીણ વિસ્‍તારોમાં પોલીસની કામગીરી વધુ પારદર્શક અને પ્રજાલક્ષી બનશે તેવી આશા સૌએ વ્‍યક્‍ત કરી હતી

(1:39 PM IST)