<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th August 2025

રાજકોટ-જૂનાગઢની નવી બસમાં ગંદકી અને ટિકિટના નંબરનો ગોટાળોઃ વિભાગીય નિયામકને લેખિત ફરિયાદ

રાજકોટઃ રાજકોટ એસ.ટી. ડેપોના બેદરકારીભર્યા વહીવટનો વધુ એક કિસ્‍સો સામે આવ્‍યો છે, જેમાં તાજેતરમાં કરોડોના ખર્ચે મળેલી નવી બસમાં ગંદકી અને ટેકનિકલ ખામીઓ જોવા મળી છે. ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિઓએ આ મામલે રાજકોટ વિભાગીય નિયામક અને ગુજરાત રાજ્‍ય માર્ગ વાહન વ્‍યવહાર નિગમના એમ.ડી.ને લેખિત ફરિયાદ કરી છે.

સ્‍વચ્‍છતા અભિયાનનો ઉલાળીયોઃ સંયુક્‍ત યાદીમાં ગજેન્‍દ્રસિહ ઝાલા, એડવોકેટ ઇન્‍દુભા રાઓલ સહિતના પ્રતિનિધિઓએ જણાવ્‍યું કે, રાજકોટ ડેપોને ફાળવવામાં આવેલી નવી બસો બહારથી ભલે આકર્ષક લાગે, પણ અંદરથી કચરાના ગંજ અને ઉકરડાથી ભરેલી હોય છે. આ ઘટના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના 'સ્‍વચ્‍છ ભારત અભિયાન'ની મજાક ઉડાવે છે.

નંબર અને પેમેન્‍ટમાં ગોટાળોઃ રાજકોટ-જૂનાગઢ-રાજકોટ રૂટની નવી બસ નંબર GJ-18Z T 1742માં મુસાફરી કરી રહેલા પ્રતિનિધિ જયેશભાઈ ગજ્જરે જોયું કે બસમાં ભારે ગંદકી હતી. આ ઉપરાંત, કંડક્‍ટરનું ટિકિટ મશીન સર્વર ન ચાલતા મુસાફરોને ઓનલાઈન પેમેન્‍ટની સુવિધા મળતી ન હતી અને રોકડા ચૂકવવાની ફરજ પડી હતી. સૌથી ગંભીર બાબત એ હતી કે ટિકિટ પર બસનો નંબર GJ-18Z 4170 છપાયેલો હતો, જે બસના વાસ્‍તવિક નંબર સાથે મેળ ખાતો નહોતો. આ વિસંગતતાથી એસ.ટી.માં ટેક્‍સ ચોરી જેવું કૌભાંડ હોવાની શંકા વ્‍યક્‍ત કરવામાં આવી છે અને મુસાફરોને અકસ્‍માત સમયે ક્‍લેમ મેળવવામાં પણ મુશ્‍કેલી પડી શકે છે.

અધિકારીની બેદરકારીઃ મુસાફર હિતરક્ષક સમિતિના પ્રતિનિધિઓ દ્વારા સિનિયર ડેપો મેનેજર પર ધૃતરાષ્ટ્ર નીતિ અપનાવવાનો આરોપ મૂકવામાં આવ્‍યો છે. મુસાફરોની ફરિયાદો અવગણવામાં આવે છે અને ફરિયાદ બુક પણ આપવામાં આવતી નથી.

ગજેન્‍દ્રસિંહ ઝાલાએ ટેલિફોનિક જાણ કરી તાત્‍કાલિક બસની સફાઈ કરાવવા અને જવાબદાર સામે દંડનીય કાર્યવાહી કરવા માંગ કરી છે. આ મામલે ફોટોગ્રાફ અને વીડિયોગ્રાફી સાથે લેખિત ફરિયાદ કરવામાં આવશે.

ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ હેલ્‍પલાઇન નંબરઃ ૯૪૨૬૨ ૨૯૩૯૬

(10:20 AM IST)