News of Tuesday, 12th August 2025
માણાવદરના ખાંભલા ગામનાં ડ્રાઈવર
સાથે ૨.૮૩ લાખની ઓનલાઈન છેતરપિંડી અજાણ્યા શખ્સે ક્રેડિટ કાર્ડમાં રિવોર્ડ પોઇન્ટની લાલચ આપી નાણા ઉપાડી લઈ ખરીદી કરી લીધી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૨: માણાવદરના ખાંભલા ગામનાં ડ્રાઈવર સાથે અજાણ્યા શખ્સે બેંકનાં ક્રેડિટ કાર્ડમાં રિવોર્ડ પોઇન્ટની લાલચ આપી રૂપિયા ૨.૮૩ લાખની ઓનલાઇન છેતરપિંડી કરી બાદમાં તે નાણાંમાંથી ખરીદી કરી લીધી હોવાની ફરિયાદ સાયબર પોલીસમાં નોંધાઈ હતી.
માણાવદર તાલુકાના ખાંભલા ગામે રહેતા ડ્રાઇવર રાજુભાઈ હરિભાઈ કણજારીયા ગઈ તારીખ ૧૩ ફેબ્રુઆરીના રોજ બપોરે પોતાના ઘરે હતા. ત્યારે તેમને મોબાઇલ પર અજાણ્યા મોબાઈલ નંબરમાંથી ફોન કરી દિલ્હી ખાતે આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ વિભાગના કર્મચારી મમતા શર્મા વાત કરું છું તેમ કહી તમારા બેંકના ક્રેડિટ કાર્ડમાં રીવોર્ડ પોઈન્ટ મળેલ છે જે મેળવવા માટે તમારા મોબાઇલ ફોનમાં તમારે પ્રોસેસ કરવાની રહેશે એવી લાલચ આપી રાજુભાઈને વિશ્વાસમાં લીધા હતા.
બાદમાં તેમના મોબાઈલ ફોનમાં આઈસીઆઈસીઆઈ ડોટ એપીકે નામની ફાઈલ ડાઉનલોડ કરાવી હતી. તેમાં પ્રોસેસ કરાવી ક્રેડિટ કાર્ડ તથા નેટબેન્કિંગના પાસવર્ડ મેળવી ત્રણ ટ્રાન્ઝેક્શન દ્વારા રાજુભાઈના બેન્ક ખાતામાંથી રૂપિયા ૨,૮૩,૧૪૪ ઉપાડી લીધા હતા. આ નાણાં રિલાયન્સ રીટેઇલ લિમિટેડમાં ગયા હતા તેમાંથી અજાણ્યા શખ્સે રૂપિયા ૭૪,૯૯૯નો તથા રૂપિયા ૧,૯૨,૫૯૯નો મોબાઈલ ફોન તેમજ રૂપિયા ૧૫,૫૪૬ની બ્લીનકીટમાંથી ખરીદી કરી રૂપિયા ૨,૮૩,૧૪૪ના નાણાકીય ફ્રોડ અંગે રાજુભાઈ કણજારીયાએ સાઇબર ક્રાઇમ હેલ્પલાઇનમાં ઓનલાઇન કરેલી અરજીના આધારે સોમવારે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે અજાણ્યા શખ્સ સામે છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
