News of Tuesday, 12th August 2025
લખતર ગ્રામ પંચાયતના મહિલા સરપંચને DDOએ કર્યા સસ્પેન્ડ
લખતર પંથકમાં ચર્ચાનો વિષય બની ગયોઃગામના વિકાસ કાર્યોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો

સુરેન્દ્રનગર, તા.૧૨
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલી લખતર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ રંજનબેન વરમોરાને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમની સામે ગામના વિકાસ કાર્યોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ લખતર પંથકમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. ગ્રામ પંચાયતમાં થઈ રહેલા કાર્યોમાં ગેરરીતિ આચરવા બદલ સરપંચ રંજનબેન વરમોરા વિરુદ્ધ જિલ્લા પંચાયતમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદને ધ્યાનમાં રાખીને DDOએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા.
તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલી તપાસમાં ભ્રષ્ટાચારનો ઘટસ્ફોટ થયો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે સરપંચે ત્રણ મુખ્ય કામોમાં ગેરરીતિ આચરી હતી. આ કામોમાં ભૂગર્ભ ગટરનું બાંધકામ, ગ્રામ પંચાયતની જમીન ભાડે આપવા બાબત અને સ્કૂલની દીવાલના બાંધકામનો સમાવેશ થાય છે. TDOના તપાસ અહેવાલ બાદ DDO દ્વારા સરપંચને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસ બાદ ૬ ઓગસ્ટના રોજ સુનાવણી રાખવામાં આવી હતી.
આ સુનાવણીમાં રજૂ થયેલા પુરાવા અને હકીકતોને ધ્યાનમાં રાખીને DDOએ ૧૧ ઓગસ્ટના રોજ મહિલા સરપંચ રંજનબેન વરમોરાને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. સરપંચ દ્વારા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ખુલાસો થતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ નિર્ણયથી ગ્રામજનોમાં સંતોષ જોવા મળ્યો હતો. આ ઘટના અન્ય સરપંચો માટે પણ એક ચેતવણીરૃપ છે કે સરકારી ફંડનો ઉપયોગ લોકહિતમાં જ થવો જોઈએ. જો એવું નહીં થાય તો કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
