News of Wednesday, 13th August 2025
અમદાવાદના યુનિક ગ્રુપ સામે ગાંધીધામમાં ૧.૮૦ કરોડની ઠગાઈની ફરિયાદ
ભુજમાં ૧.૪૧ કરોડની ફરિયાદ બાદ વધુ એક ફરિયાદ, રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ અનેક ફરિયાદો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૩ : રોકાણકારોને રૂપિયા સામે વધુ વ્યાજની લાલચ અને એજન્ટોને કમિશન સહિત વિદેશ પ્રવાસની આકર્ષક ઓફર સાથે માયાજાળ બિછાવી અમદાવાદની યુનિક મર્કેન્ટાઇલ ઇન્ડિયા અને યુનિક સ્વયં મલ્ટી સ્ટેટ પર્પઝ કો ઓપ. સોસાયટીના પાંચ સંચાલકો સામે ગાંધીધામના તેજસ ભૂપેન્દ્ર દલાલે ૧ કરોડ ૮૦ લાખની ઠગાઇની પોલીસ ફરિયાદ લખાવી છે. ભુજના રાજુભાઇ ઠક્કર મારફતે પોતે યુનિક ની બંને કંપનીઓના પરિચયમાં આવ્યા હતા. ભુજના રાજુભાઇ એજન્ટ હતા અને યુનિક ગ્રુપની કંપનીમાં રોકાણ થી પૈસા રોકનાર ઉપરાંત એજન્ટ ને પણ ફાયદો થશે એવી વાત કરી સ્કીમો સમજાવી હતી. દરમ્યાન ભુજમાં યોજાયેલ સેમિનારમાં યુનિકના ડાયરેક્ટરો રાજકુમાર કૈલાસ રાય, રાહુલ રાજકુમાર રાય, ઉત્કર્ષ રાજકુમાર રાય, ઉષા રાજકુમાર રાય અને જનરલ મેનેજર હસમુખ ડોડીયાએ રોકાણકારો માટે સારું વ્યાજ અને એજન્ટ તરીકે આકર્ષક ઓફરો આપી હતી. એટલે પોતે અલગ અલગ રોકાણકારો પાસેથી યુનિક સ્વયં મલ્ટી સ્ટેટ કંપનીમાં ૫૯ લાખ ૫૦ હજાર અને યુનિક મર્કેન્ટાઈલમાં અલગ અલગ રોકાણકારો પાસેથી ૧ કરોડ ૨૧ લાખનું રોકાણ કરાવ્યું હતું. પરંતુ મુદ્દત પાકતા કોઈને રોકાણ પાછું મળ્યું નહોતું. રૂપિયા પાછા ન મળતા ૧/૧//૨૦૧૬ થી ૨૦/૬/૨૦૨૫ દરમ્યાન બનેલ આ બનાવ અંગે ગાંધીધામ પોલીસ માં ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ કરાઈ છે. આ યુનિક કંપની સામે અગાઉ રાજકોટ, જામનગર સહિત સૌરાષ્ટ્રમાં પણ કરોડો રૂપિયાની ઠગાઈની ફરિયાદ થઈ ચૂકી છે.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
