<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th August 2025

ભુજની હાઈફાઈ રિજન્ટા હોટેલમાંથી હાઇ પ્રોફાઇલ જુગાર ઝડપાયો: પોલીસે નિવૃત્ત જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય નિવૃત મોટા અધિકારીઓને ઝડપ્યા

૧૬ લાખનો મુદ્દામાલ જપ્ત, ૪૦૪ નંબરના રૂમમાં જુગાર રમતા હતા, બે પીધેલા, ટોક ઓફ ધ ટાઉન બનેલા આ કિસ્સામાં રાતોરાત આરોપીઓના જામીન થયા

ભુજ :  શ્રાવણ મહિનામાં જુગારના જામતા પડ વચ્ચે ભુજની હાઈફાઇ હોટેલ રિજન્ટાના રૂમ નંબર ૪૦૪ માંથી નિવૃત્ત ઉચ્ચ અધિકારીઓને પોલીસે હાઈ પ્રોફાઈલ જુગાર રમતા ઝડપી પાડતાં સમગ્ર બનાવ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જોકે, આમાં ઝડપાયેલા ૭ આરોપીઓ પૈકી ૨ જણ પીધેલા હતા. ૧૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા આ તમામના રાતોરાત જ જામીન ઉપર છૂટી ગયા હતા. સમગ્ર બનાવ આ પ્રમાણે છે. ભુજ 'એ' ડિવિઝન પોલીસે મંગળવારની રાતે શહેરની જાણીતી થ્રી સ્ટાર હોટેલ રિજેન્ટામાં રેડ કરી હતી. પોલીસે આ દરોડામાં હાઇ પ્રોફાઇલ લોકોને જુગાર રમતા પકડયા હતા

   ઝડપાયેલ ઉચ્ચ નિવૃત્ત અધિકારીઓમાં તેમાં કચ્છમાં ફરજ બજાવી ગયેલા ડીડીઓ એવા નિવૃત્ત આઈએએસ સી.જે.પટેલ પૂરું નામ ચંદ્રકાન્ત જાદવજી પટેલ (૬૫, ગોયલ ઈન્ટરસીટી, થલતેજ, અમદાવાદ),  માર્ગ અને મકાન વિભાગ ના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જીનીયર કે.આર.પટેલ ઉર્ફે કિરીટ રમેશભાઈ પટેલ (૬૦, બેન્કર્સ કોલોની, ભુજ), લાંબા સમયથી આર એન્ડ બી ભુજમાં ફરજ બજાવતા ચિરાગ બળદેવભાઈ ડોડીયા (૪૦, રજવાડી બંગલો, ભુજ), નરેન્દ્ર અરવિંદભાઈ ભદ્રા (૩૪, ઓધવપાર્ક-૦૨, પ્રમુખ સ્વામીનગર, ભુજ), સ્ટેટ IBમાંથી રિટાયર્ડ થયેલા જે.એમ.ઝાલા ઉર્ફે જયેન્દ્રસિંહ મીઠુભા ઝાલા (૫૪, મુંદરા રીલોકેશન_ સાઈટ), સંજય પ્રવિણભાઈ પટેલ (૪૦, ક્રિષ્ના નિવાસ, ભાવેશ્વરનગર, ભુજ) અને અરવિંદકુમાર ચતુર્ભુજ ગોર (૬૮, શિવકૃપાનગર, ભુજ)ને જુગાર રમતા પકડી લેવામાં આવ્યા હતા.

  પોલીસે આરોપીઓ પાસેથી બે બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. ૨૪ હજાર), ૮ મોબાઈલ ફોન (કિંમત રૂ. ૪.૭૦ લાખ), એક કાર (કિંમત રૂ. ૧૦ લાખ) અને રૂ. ૧.૧૪ લાખની રોકડ રકમ મળી કુલ રૂ. ૧૬.૦૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. આ આરોપીઓમાં દારૂ પીધેલા બે આરોપીઓ કિરીટ પટેલ અને જયેન્દ્રસિંહ ઝાલા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.

(10:13 PM IST)