News of Thursday, 14th August 2025
સ્વાતંત્ર્ય-સ્મારક તો તેનું, છગન ખેરાજ વર્માનું યે હોવું જોઈએ, પોરબંદરમાં!
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આપણે આવા વીર શહીદોને યાદ કરવા જરૂરી છેઃ છગન ખેરાજ વર્માનું બલિદાન કોઈ પણ રીતે ઓછું નથી. પોરબંદર જેવા પવિત્ર સ્થળે તેમનું સ્મારક ઊભું કરવું એ તેમના પ્રત્યે સાચી શ્રદ્ધાંજાલિ ગણાશેઃ ૧૫મી ઓગસ્ટની ઉજવણી આ મહાન ક્રાંતિકારીના સ્મરણ અને સન્માનનો એક ઉત્તમ અવસર પૂરો પાડે છેઃ ઝવેરચંદ મેઘાણીના શબ્દોને યાદ કરીને, કદિ સ્વાધીનતા આવે, વિનંતી ભાઈ છાની, અમોને યે સ્મરી લેજો, જરી પળ એક નાની, આશા રાખીએ કે રાજ્ય સરકાર છગન ખેરાજ વર્માના બલિદાનને યોગ્ય સન્માન આપે

એવું જાણવા મળ્યું છે કે ૧૫ ઓગસ્ટ, ૨૦૨૫નો સ્વાતંત્ર્ય ઉત્સવ રાજ્ય સરકાર સુદામા- ભૂમિ પોરબંદરમાં રંગેચંગે ઉજવવાની છે.
પોરબંદરનું નામ પડતાં જ મહાત્મા ગાંધી અને કસ્તુરબાનું સ્મરણ થઈ આવે. તેમની આ જન્મભૂમિ, અને બાપદાદા રાજ-દરબારમાં દીવાન. કીર્તિમંદિર તેની યશગાથા સંભળાવતું ઊભું છે. મેર, આયર, રઘુવંશી, ક્ષત્રીયની આ કર્મભૂમિ છે.
તેની સાથે યાદ કરવા (રાખવા) જેવા બીજાં મહાન પાત્રો પણ છે, કદાચ ઇતિહાસની પોથીમાં ક્યાંક ગુમનામ થઈ ગયાં છે, રાજ્ય સરકારે તેની પુણ્ય સ્મૃતિ આ સ્વાતંત્ર્ય દિવસે કરીને આ મહાન પાત્રોનું ઋણ ચૂકવવા જેવુ છે, ઝવેરચંદ મેઘાણીએ આવા હુતાત્માઓ વિષે જ કહ્યું હતું:
કદિ સ્વાધીનતા આવે, વિનંતી ભાઈ છાની,
અમોને યે સ્મરી લેજો, જરી પળ એક નાની..
જેમને કાયમ આપણાં સમાજજીવનમા, ઈતિહાસમાં, સ્મારકોમાં, અને હૃદયમાં સ્થાપિત રાખવાં જોઈએ, તે ‘‘ જરી પળ એક નાની''ની વિનંતી કેમ કરી હશે? સરદાર પટેલ યુનિવર્સિટીમાં ૧૨મી એ એક કાર્યક્રમમાં જવાનું થયું ત્યારે માર્ગ પર એક જગ્યાએ સુંદર રચના જોવા મળી હતી.
હમારી ચિતાઓ પર જુડેગે હર બરસ મેલે,
બસ,હમારે લિયે યહી નામો-નિશાં હોગા !
‘‘કદાચ, ભગતસિહ-રાજગુરુ-સુખદેવ-ચંદ્રશેખર આઝાદ્ના યુગમાં આ કહેવાયું હતું.
પોરબંદરમાં એક મોટા ગજાનો ક્રાંતિકારી પત્રકાર જન્મ્યો હતો, જેને સિગાપુરમાં બ્રિટિશરોએ ફાંસી આપી હતી, આ નિમિત્તે તેનું સ્મરણ કરીશું? કરવું તો જોઈએ. તેનું નામ હતું છગન ખેરાજ વર્મા. તેનાં બીજાં બે નામો એટ્લે હુસેન રહીમ અને ખેમરાજ દામજી. પોરબંદરમાં એક રઘુવંશી પરિવારમાં ૧૮૬૫માં જ્ન્મ થયો. આર્થિક સ્થિતિ બરાબર નહીં. સૌરાષ્ટ્ર-કચ્છનો મોટો સમુદ્ર કિનારો એટ્લે અહીના યુવકો દરિયાપાર જતાં, દૂર દેશવારોમાં નસીબ અજમાવે. આજના ‘‘એન.આર.જી'' ના આ બધા પુરોગામીઓ. કેટલા સાહસ અને પરિશ્રમ સાથે તેઓ વિદેશોમાં સ્થાયી થયા હશે?
છગન ખેરાજ પણ એવી રીતે પોરબંદરથી નીકળી પડ્યો, પણ ધંધો-વ્યવસાય જ માત્ર તેનાં નસીબે નહોતાં. સ્વદેશપ્રીતિ તેનાં ચિત્તમાં હતી. હોનોલૂલુ થઈને વેંકોવર પહોંચ્યો, ત્યારે જ ખબર પડી કે, અરે, ગુલામ દેશના નાગરિકને કોઈ સમાન ગણાતું નથી, જાહેર સ્થાનો અને હોટેલોમાં પાટિયું લગાવવામાં આવે છે કે ઈંડિયંસ અને કુતરાઓને અહી પ્રવેશ આપતો નથી.
ઇમિગ્રેશન કાયદાઓમાં પણ ભેદભાવ. જ્યારે આ છગન ખેરાજના ઘરની તપાસ કરવામાં આવી ત્યારે ઇમિગ્રેશન ઓફિસર હોપકિન્સન હાજર હતો, છગન ખેરાજે તેને ખુમારી સાથે કહ્યું ‘‘યુ ડ્રાઈવ અસ હિન્દુઝ આઉટ ઓફ કેનેડા, એન્ડ વી વિલ ડ્રાઈવ વ્હાઈટ મેન આઉટ ઓફ ઇન્ડિયા
આવું કહેવાની સાથે એક પ્રચંડ આંદોલન કેનેડા અને અમેરિકામા શરૂ થયું તે હતું ‘‘ ગદર'' આંદોલન. તેને ગદર પાર્ટી નામ આપાયું, તેના મહાનાયક હતા લાલા હરદયાલ. પરિશુદ્ધ હિન્દુ જીવનશૈલી. વક્તવ્ય આપે ત્યારે ભારતીય જીવન દર્શનની ચેતના સમજાવે. અમેરિકી કોલેજો અને યુનિવર્સિટીઓ તેમને વ્યાખ્યાન માટે આમંત્રિત કરે. રાતે નિદ્રા માટેની પથારી જમીન પર હોય. સાવ સાદું સરળ સહજ જીવન. બસ, એક જ ધૂન મનમાં, કે ભારતની સ્વતંત્રતા. સાંફ્રાન્સિસ્કોમાં યુગાંતર આશ્રમ નામે ક્રાંતિ મથક ઊભું કર્યું, જેવુ લંડનમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું ઈન્ડિયા હાઉસ તેવો જ આ યુગાંતર આશ્રમ. ક્રાંતિની પાઠશાળા. કેવા કેવા અગ્નિ કથાના નાયકો? તારકનાથ દાસ, શાલેન્દ્ર ઘોષ, વસંતકુમાર રાય, ગુરુદત્ત કુમાર, સારંગધર દાસ, રામનાથ પુરી...
અને તેમાં જ જોડાયો આપણો કાઠિયાવાડી યુવાન છગન ખેરાજ. જોન કેમ્પબેલ કર ભારતમાં ગુપ્તચર તંત્રનો મુખ્ય અધિકારી હતો, તેણે દેશ-વિદેશમાં ભારતીય સશસ્ત્ર ક્રાંતિકારોની પ્રવૃત્તિનો ઇતિહાસ લખ્યો છે તેમાં છગન ખેરાજ વિષે લખ્યું છે કે આ ‘‘લોહાણા વણિક'' ૩૦માં વર્ષે પોરબંદરથી નીકળ્યો. ૧૮ જાન્યુઆરી, ૧૯૧૦ના તે વેંકોવર પહોંચ્યો. ત્યાં તો ભારતીયો તરફ અપમાનની સ્થિતિ હતી. પહેલી લડાઈ ઇમિગ્રેશન વિભાગ સામે થઈ, તે જીત્યો.
૧૯૧૧માં ભારતીયોની પ્રવેશબંધી જાહેર થઈ, કારણ કે બ્રિટિશ ગુપ્તચર તંત્રનો અહેવાલ હતો કે આ લોકો ભારતના ક્રાંતિકારોને મદદ કરે છે. કોમાગાટા મારુ જહાજને તો ભારત જતાં રોકવામાં આવ્યું, તેના બચાવમાં સમિતિ બની, છગન ખેરાજ તેનો પ્રમુખ હતો. ૧૯૧૦માં તેના પર અભિયોગ મૂકયો, ફરીવાર તે જીત્યો. અખબારો શરૂ થયા. તેમાના ‘‘ગદર ‘‘ ની ગુજરાતી આવૃત્તિનો તંત્રી છગન ખેરાજ હતો. ૧૦ મે, ૧૯૧૪માં તેના પહેલા અંકમાં આ દેશભક્ત તંત્રી લખે છે, કોઈ પણ મહાન ઉદ્દેશ સાથેના કાર્યની સફળતા તે દેશની ભાષાઓથી જ મળી શકે છે, વિદેશી ભાષાથી નહિ.''
એક સંગઠન રચાયું તે હિદુસ્થાન એશોસીએશન. તે સંસ્થાએ સ્વાધીનતાનું ઘોષણાપત્ર જાહેર કર્યું. બીજી સંસ્થા યુનાઈટેડ ઈન્ડિયા લીગ પણ રચવામાં આવી. સુંદરસિહનું ‘‘આર્યન'', ગુરુદત્ત કુમારનું ‘‘સ્વદેશ સેવક'', અને ચાર ભાષામાં ‘‘ગદર અખબારો સર્વત્ર છવાઈ ગયા, તેની સાથે શ્યામજી કૃષ્ણવર્માનું ઇંડિયન સોશિયોલોજિસ્ટ, વીરેન્દ્રનાથ અને મેડમ કામાના તલવાર, ‘‘ વંદેમાતરમ'' (યોગાનુયોગ વંદેમાતરમ ગીતની સાર્ધ શતાબ્દી (૧૫૦ વર્ષ) અત્યારે ઉજવાઇ રહી છે ત્યારે વિદેશની ભૂમિ પર પ્રકાશિત વંદે માતરમ અખબાર યાદ કરવું જ જોઈએ).
આ બધા તેજસ્વી આંદોલનોએ યુરોપ. અમેરિકા, જાપાન, ફ્રાંસ, ઈજિપ્ત, અફઘાનિસ્થાન, બર્મા અને જર્મની સુધી ચેતનાની આગ જગવી. છગન ખેરાજે પોતાના નામ બદલવા પડ્યાં, ઘણા ક્રાંતિકારોએ તેમ કરવું પડ્યું હતું. તેના નિવાસેથી વિસ્ફોટ્ક સામગ્રી મળી આવી, તેને ‘‘બ્રિટિશ રાજ-દ્રોહી'' ની યાદીમાં સામેલ કરાયો. છતાં તે ક્રાંતિ-કાર્યમાં જોડાયેલો રહ્યો.
તોશા મારૂ, કોરિયા, મિશિમા મારૂ જહાજોની અદ્દભુત કહાણી છે.હોપકિનસનને મેવાસિઘે પિસ્તોલથી વધ કર્યો, ફાંસી મળી. ૧૧ જાન્યુઆરી ૧૯૧૫ના તે હુતાત્મા થયો.
છગન ખેરાજે કેનેડા એન્ડ ઈન્ડિયા સપ્લાય કંપની શરૂ કરી હતી તેનું કામ ક્રાંતિકારી પ્રવૃત્તિનું જ હતું. ૧૯૧૪માં તે પકડાયો, છૂટ્યો ત્યારે તદ્દન નિર્ધન, તે સિગાપુર પહોંચ્યો, ત્યાં બ્રિટિશ સેનાના ભારતીયોને વિપ્લવ માટે પ્રેરિત કર્યા, પકડાયો.
૧૯૨૦માં તેને ફાંસી મળી. ક્રાંતિના ઈતિહાસનું તે ગુમનામ પાત્ર બની ગયો. પોરબંદરમાં તેનું સ્મારક હોવું જોઈએ કે નહીં?
વિષ્ણુભાઈ પંડયાઃગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વના ઝળહળતો દિપક
વિષ્ણુભાઈ પંડ્યા (જન્મઃ ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૫, માણાવદર, જુનાગઢ), ગુજરાતના પ્રસિદ્ધ પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. ૨૦૧૭માં ભારત સરકારે તેમને ર્ંપદ્મશ્રી થી સન્માનિત કર્યા. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન રહી ચૂક્યા છે.
પ્રારંભિક જીવન અને શિક્ષણઃ માણાવદરમાં જન્મેલા વિષ્ણુભાઈએ જુનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી એમ.એ. અને એલ.એલ.બી.ની ડિગ્રી મેળવી. તેમના પિતા દક્ષિણ આફ્રિકામાં વ્યવસાય પછી ભારતમાં જિલ્લા શિક્ષણ અધિકારી હતા.
કારકિર્દીઃ વિષ્ણુભાઈએ સાધના સાપ્તાહિકથી પત્રકારત્વ શરૂ કરી, ૨૨ વર્ષે સંપાદક બન્યા. તેમની રાજકીય-ઐતિહાસિક કટારો ગુજરાતી અખબારોમાં લોકપ્રિય છે. ૧૯૭૫-૭૭ની કટોકટી દરમિયાન વાણી સ્વાતંત્ર્યની લડત બદલ તેમને કેદ થયા અને ઓલ ઇન્ડિયા ન્યૂઝપેપર એડિટર દ્વારા સન્માન મળ્યું. ૨૦૧૭માં તેઓ સાહિત્ય અકાદમીના ચેરમેન બન્યા.
સાહિત્યિક યોગદાનઃ તેમનું પ્રથમ પુસ્તક ર્ં‘હથેળીનું આકાશર્'ં પુરસ્કૃત થયું, પરંતુ કટોકટીના વિરોધમાં તેમણે પુરસ્કાર ન સ્વીકાર્યો. તેમણે ગુજરાતના ઇતિહાસ, સ્વાતંત્ર્ય સંગ્રામ અને ચરિત્રો પર સંશોધનાત્મક લખાણો કર્યા. ૧૯૯૧માં નર્મદ સુવર્ણ ચંદ્રર્ર્કં મળ્યો.
પુરસ્કારઃ પદ્મશ્રી (૨૦૧૭) સાહિત્ય અને પત્રકારત્વ માટે નર્મદ સુવર્ણ ચંદ્રક(૧૯૯૧) ઇતિહાસ લેખન માટે.
અંગત જીવનઃ તેમના જીવનસાથી સ્વ. ડો.આરતી પંડડયાએ સતત સાથ આપ્યો અને સમાજને યોગદાન આપ્યું.
વિષ્ણુભાઈ પંડ્યાનું ૪૦ વર્ષથી વધુનું યોગદાન ગુજરાતી સાહિત્ય, પત્રકારત્વ અને ઇતિહાસ સંશોધનમાં અમૂલ્ય છે, જે નવી પેઢીને પ્રેરણા આપે છે.
આલેખન
વિષ્ણુભાઈ પંડયા
અમદાવાદ મો. ૯૪૨૭૮-૦૪૭૨૨
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
