News of Thursday, 14th August 2025
આપાગીગાના ઓટલા પાસે સ્કૂટી પાર્ક કરી રસ્તો ઓળંગતા રાજકોટના છગનભારથીનું વાહન હડફેટે મોતઃ સુરેન્દ્રનગર જીલ્લામાં ૪ અકસ્માત
પાટડી ફરીને પરત વિરમ ગામનાં બાઇકસવારનું ટ્રક હડફેટે મોત

વઢવાણ, તા. ૧૪: દસાડા-વિરમગામ હાઈવે, ચોટીલા નેશનલ હાઈવે, વિરમગામ-લખતર હાઈવે અને થાન શહેરમાં અકસ્માતના ૪ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં બેના મોત થયા છે. જયારે ૨ મહિલા સહિત ૪ને ઈજા પહોંચી છે. વિરમગામ તાલુકાના ભોજવા ગામે રહેતા શકિતભાઈ ગાંભાજી ખુદડીયા દિશાબેન વિરમાભાઈ ઠાકોર સાથે બાઈક લઈને પાટડી ફરવા આવ્યા હતા. જયાંથી પરત ફરતા સમયે ફુલ્કી રોડ પર સામેથી આવતા એક ટ્રક ચાલકે અકસ્માત કર્યો હતો. જેમાં શકિતભાઈ અને દિશાબેનને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જેમાં શકિતભાઈને વધુ ઈજા થતા મોત થયુ હતુ. બનાવની મળતકના પિતા ગાંભાજી ખુદડીયાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી જે.કે.મકવાણા ચલાવી રહ્યા છે.
રાજકોટના કેવડાવાડીમાં રહેતા છગનભારતી પ્રાણભારતી ગોસ્વામી ગત તા. ૩જી ઓગસ્ટના રોજ ટીવીએસ સ્કુટી લઈને રાજકોટથી ચોટીલા જતા હતા. જેમાં ચોટીલા નજીક આપાગીગાના ઓટલા પાસે સ્કુટી પાર્ક કરી તેઓ રસ્તો ક્રોસ કરતા હતા. આ સમયે કોઈ અજાણ્યા વાહને તેઓને અડફેટે લઈ ઈજા પહોંચાડી હતી. આથી તેઓને સારવાર માટે ચોટીલા સરકારી દવાખાને લઈ જવાતા ડોકટરોએ મળત જાહેર કર્યા હતા. આ અંગે મળતકના પુત્ર નીલેશભારતીએ ચોટીલા પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ અમદાવાદ ગ્રામ્યના માંડલમાં રહેતા મેહુલભાઈ ગણપતભાઈ વાણીયા અને તેમના માતા લીલાબેન ગણપતભાઈ વાણીયા બાઈક પર સુરેન્દ્રનગર જતા હતા. ત્યારે લખતર હાઈવે પર વિઠ્ઠલાપરા નજીક કોઈ જાનવર આડુ ઉતરતા બાઈક સ્લીપ થઈ ગયુ હતુ. બનાવની ૧૦૮ને જાણ થતા બન્નેને સારવાર માટે લખતર સરકારી દવાખાને લઈ જવાતા હતા. પરંતુ લખતર સ્ટેશન રોડ પર સીસી રોડનું કામ ચાલુ હોઈ ૧૦૮ પસાર થઈ શકે તેમ ન હોય વધુ ઈજા પામેલા લીલાબેનને રોડ પર સ્ટ્રેચર ચલાવીને દવાખાને લઈ જવાયા હતા.
આ બનાવમાં બાદમાં લીલાબેનને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરાયા હતા. અને થાનના અભેપર ગામે રહેતા નીલેશભાઈ ભીખાભાઈ ઝેઝરીયા અને નેઝુલભાઈ તા. ૬ ઓગસ્ટના રોજ બાઈક લઈને અભેપરથી થાન તરફ આવતા હતા. ત્યારે વાસુકી પેટ્રોલપંપ પાસે પહોંચતા પેટ્રોલપંપમાંથી અચાનક એક ટેન્કર નીકળી બાઈક સામે આવી જતા નીલેશભાઈએ કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈને ટેન્કર સાથે અથડાયુ હતુ. જેમાં નીલેશભાઈને ઈજાઓ થતા સારવાર માટે થાન સરકારી દવાખાને અને ત્યાંથી રાજકોટ લઈ જવાયા હતા. આ અંગે ઈજાગ્રસ્તના ભાઈ મનસુખભાઈએ થાન પોલીસ મથકે ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી આર.જી.બારૈયા ચલાવી રહ્યા છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
