News of Friday, 15th August 2025
ટંકારા તાલુકામાં 79મા સ્વાતંત્ર્ય દિવસની વિરપર ગામે ભવ્ય ઉજવણી
મામલતદાર પી.એન. ગોરે ખુલ્લા આકાશ નીચે રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવી સલામી આપી:તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને વિરપર ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

( જયેશ ભટ્ટસાણા દ્વારા ) ટંકારા: ભારત દેશના 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ટંકારા તાલુકાના વિરપર ગામે ઉત્સાહ અને દેશભક્તિના જોમ સાથે કરવામાં આવી. આ પ્રસંગે વિરપર ગૌશાળા ગ્રાઉન્ડ ખાતે તાલુકા કક્ષાનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો, જેમાં ટંકારાના મામલતદાર પી.એન. ગોરે ખુલ્લા આકાશ નીચે રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવી સલામી આપી હતી. જેમાં તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ અને વિરપર ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તિરંગાને સલામી આપ્યા બાદ બાદ પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ જવાનોએ શિસ્તબદ્ધ રીતે પરેડનું પ્રદર્શન કરી દર્શકોના દિલ જીતી લીધા. આ સાથે, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં દેશભક્તિના રંગે રંગાયેલા નૃત્ય, ગીત અને નાટકો રજૂ કરવામાં આવ્યા. આ કાર્યક્રમોમાં સ્થાનિક છાત્રો અને યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેનાથી વાતાવરણ દેશભક્તિના ઉમંગથી ભરાઈ ગયું.
આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓ અને કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. મામલતદાર પી.એન. ગોરના હસ્તે તેમને પ્રમાણપત્રો અને સન્માનચિહ્નો આપી સન્માનિત કરવામાં આવ્યા, જેનાથી તેમનું મનોબળ વધ્યું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકાના અધિકારીઓએ દેશની આઝાદીના મહત્વ અને આજના સમયમાં દેશની પ્રગતિમાં નાગરિકોની ભૂમિકા અંગે પ્રેરક વક્તવ્યો આપ્યા.
વિરપર ગામના નાગરિકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈને દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું. આ પ્રસંગે ગામના યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો સહિત જીલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન કમળાબેન અશોકભાઈ ચાવડા સરપંચ શ્રી મહેશભાઈ લિખિયા જ્યારે ચુંટાયેલા મહિલા સભ્યના પ્રતિનિધિ વસંતભાઈ માંડવીયા, નથુભાઈ કડીવાર, ભાજપના જીલ્લા પ્રમુખ રાજકોટીયા, ધર્મેન્દ્રભાઈ, દિનેશભાઈ, ગણેશભાઈ, અશોકભાઈ સહિતના તમામ વય જૂથના લોકો એકસાથે જોડાયા, જેનાથી ગામમાં એકતા અને સૌહાર્દનું વાતાવરણ સર્જાયું.
આ કાર્યક્રમનું સફળ આયોજન ટંકારા તાલુકા વહીવટી તંત્ર અને વિરપર ગામના સ્થાનિક આગેવાનોના સહયોગથી શક્ય બન્યું. 79મા સ્વાતંત્ર્ય દિવસની આ ઉજવણીએ નાગરિકોમાં દેશપ્રેમની ભાવનાને વધુ મજબૂત કરી અને રાષ્ટ્રની પ્રગતિ માટે સૌને એકજૂટ થવા પ્રેરણા આપી
(12:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
