News of Saturday, 16th August 2025
ગઢડાના ધારાસભ્યએ સંકલન સમિતીમાં પોતાના પ્રતિનિધિ મોકલવા પત્ર લખ્યોઃ કોંગ્રેસ દ્વારા પ્રહાર
ગઢડામાં રાજકીય હોબાળો: પ્રતિનિધિની નિમણૂકથી લોકોમાં નારાજગી

ભાવનગરઃ જિલ્લાના ગઢડા વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટૂંડિયા એક વિચિત્ર પત્રને લઈને વિવાદના વંટોળમાં ઉભો થયો છે. શંભુનાથ ટૂંડિયાએ શિહોરના નાયબ કલેક્ટરને એક પત્ર લખીને જણાવ્યું કે, સમયના અભાવે તેઓ સંકલન સમિતીની બેઠકમાં હાજર રહી શકશે નહીં અને તેમના બદલે દિલીપભાઈ સેટાને પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવે.
આ પત્રમાં તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો કે, આ નિર્ણયને કારણે વિકાસના કામોની રજૂઆત થઈ શકી નથી. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં હોબાળો મચાવ્યો છે, અને કોંગ્રેસે આ મુદ્દે શંભુનાથ ટૂંડિયા પર આકરો કટાક્ષ કર્યો છે.
શંભુનાથ ટૂંડિયાના આ પત્રએ ગઢડા, ઉમરાળા અને વલભીપુરના લોકોમાં નારાજગી ફેલાવી છે. ઉમરાળા તાલુકા કોંગ્રેસના યુવા પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એક વીડિયો દ્વારા શંભુનાથ ટૂંડિયા પર આકરા પ્રહારો કર્યા છે. શક્તિસિંહે વીડિયોમાં કટાક્ષ કરતાં કહ્યું, “લોકોએ શંભુનાથ ટૂંડિયાને મત આપ્યો છે કે તેમના પ્રતિનિધિ દિલીપભાઈ સેટાને? ધારાસભ્યનું પદ એ સેવાનું પદ છે. જો લોકોનું કામ કરવાની ક્ષમતા ન હોય તો ધારાસભ્ય બનવું ન જોઈએ.” તેમણે વધુમાં જણાવ્યું કે, “શું ધારાસભ્ય પાસે લોકોના વિકાસના કામો માટે સંકલન સમિતીમાં જવાનો પણ સમય નથી? આવું વલણ લોકોને વિચારવા મજબૂર કરે છે.”
શંભુનાથ ટૂંડિયાએ તાજેતરમાં દિલીપભાઈ સેટાને પોતાના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા હતા, જેનો ઉલ્લેખ તેમના પત્રમાં પણ કરવામાં આવ્યો છે. આ નિર્ણયે એવો સવાલ ઉભો કર્યો છે કે, શું ધારાસભ્ય પોતાની જવાબદારીઓ નિભાવવામાં અસમર્થ છે? સંકલન સમિતીની બેઠકો મતવિસ્તારના વિકાસના કામો માટે અત્યંત મહત્વની હોય છે, જેમાં ધારાસભ્યની હાજરી નાગરિકોના પ્રશ્નો અને વિકાસની યોજનાઓને આગળ ધપાવવા માટે જરૂરી હોય છે. શંભુનાથ ટૂંડિયાના આ પત્રે એવું ચિત્ર ઉભું કર્યું છે કે, તેઓ પોતાના મતવિસ્તારના વિકાસ માટે પૂરતું ધ્યાન આપી શકતા નથી.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
