News of Saturday, 16th August 2025
ગિરનારની પવિત્ર ધરા પર રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે આત્મશુદ્ધિકર વિવિધ આરાધનાઓ અને પ્રેરણાઓ સાથે ઉજવાશે પર્યુંષણ મહાપર્વ
ધ્યાન, પ્રવચન, પ્રતિક્રમણ, પૌષધ સાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રેરણાત્મક નાટિકાઓ, 5 કરોડ પંચ પરમેષ્ઠી સામુહિક જપ સાધના અને ભગવાન મહાવીર જન્મોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન

રાજકોટઃ જે ભૂમિના અણુ - અણુમાં પ્રભુની સ્મૃતિ સંવેદના અનુભવાય છે એવી મહાયોગીઓની ભૂમિ પર... શહેરી ઘોંઘાટથી દૂર, નીરવ શાંતિ અને સાધનાની પવિત્ર ભૂમિ એવી ધન્ય ધરા ગિરનારમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યમાં આગામી તા. 20 થી 27 આઠ દિવસ દરમ્યાન પધારી રહેલાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની સાધના- આરાધનાનું ભવ્યાતિભવ્ય આયોજન પારસધામ ગિરનારના આંગણે કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જૈનોના 22માં તીર્થંકર પ્રભુ નેમનાથની સાધનાની સ્પર્શનાથી પાવન બનેલી ગિરનાર ધરા પર સર્જાયેલી યુગો-યુગો પહેલાની શૌર્યપુર નગરીના ભવ્ય રજવાડા અને રાજમહેલની ભવ્ય પ્રતિકૃતિસમા પ્રભુ નેમ દરબારમાં આયોજિત થયેલાં પર્વાધિરાજ પર્વના સાધનાલક્ષી વિવિધ અનુષ્ઠાનો, સાંસ્કૃતિક કાર્યક્રમો, પ્રવચન, ભક્તિ સંધ્યા અને અનેક પ્રકારની આરાધનામાં જોડાઈને પરમ ગુરુદેવના સાંનિધ્યે આત્મશુદ્ધિ કરવા રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, કોલકાત્તા, બેંગ્લોર, હૈદ્રાબાદ, દિલ્હી, ચેન્નાઈ, અમરાવતી, નાગપુર, રાયપુર, ઇંદૌર, આદિ ભારતભરના ભાવિકો સાથે અમેરિકા, દુબઈ, સિંગપોર, લંડન આદિ વિદેશના હજારો ભાવિકો આ પર્વમાં ગિરનાર પધારવા આતુર બની રહ્યા છે.
પર્વના આઠ દિવસ દરરોજ વહેલી સવારથી રાત્રિ સુધી આયોજિત કરવામાં આવેલાં પર્વલક્ષી કાર્યક્રમ અંતર્ગત દરરોજ સવારના 6:15 થી 7:15 કલાકે સ્વ સાથે અનુસંધાન કરાવનારી વિશિષ્ટ પ્રકારની "બ્રહ્મમુહૂર્ત ધ્યાન સાધના" કરાવવામાં આવશે. ત્યારબાદ સવારના 8:00 થી 8:30 કલાકે “સ્પેશિયલ યુથ પર્યુષણ" અંતર્ગત વિશેષરૂપે યુવાનો માટે ઇંગ્લિશ લેંગ્વેજમાં બોધ પ્રવચન યોજાશે. સવારના 8:30 થી 9:00 કલાક દરમિયાન પ્રભુ નામ સ્મરણ સ્વરૂપ 24 તીર્થંકર પરમાત્માની ધૂનથી ગુંજી રહેશે પ્રભુ નેમ દરબાર.
દરરોજ સવારના 9:00 કલાકથી ભવ્ય જીવોની પ્રતિબોધિત કરતા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી બોધ પ્રવચન તથા અંતર દૃષ્ટિને ઉજાગર કરનારા, સત્યનું દર્શન કરાવનારા પ્રેક્ટીકલ પ્રયોગો તેમજ અદભૂત અને ભવ્ય પ્રેરણાત્મક નાટિકાઓની પ્રસ્તુતિ બાદ દરરોજ સાંજના 07:00 થી 8:00 કલાકે પ્રતિક્રમણની આરાધનાનું આયોજન કરવામાં આવશે.
વિશેષમાં, “ગ્લોબલ પર્યુષણ મહાપર્વ” અંતર્ગત પરમ ગુરુદેવના સાંનિધ્યે લાઈવ દ્વારા પારસધામ- યુ.એ.ઈ., પારસધામ- યુ.એસ.એ., પારસધામ- યુ.કે., પારસધામ- સિંગાપુર, પારસધામ- ઓસ્ટ્રેલિયા, પારસધામ- મલેશ્યા, પારસધામ- કેનેડા, પારસધામ- સ્વીડન, પારસધામ- યુગાંડા, પારસધામ- કેન્યા, પારસધામ- સુદાનના આયોજનથી ભારત સાથે વિદેશના લાખો ભાવિકો પણ સાંજના 08:00 કલાકે પરમ ગુરુદેવના શ્રીમુખેથી વિશિષ્ટ વિષયો પર રાત્રિ બોધપ્રવચન ફરમાવવા સાથે સુવિખ્યાત કલાકારો દ્વારા પરમાત્મા સાથે એકાકાર કરાવનારા ભક્તિના કાર્યક્રમનો લાભ લઈ ધન્યાતિધન્ય થશે.
નિત્ય આરાધનાના દરેક કાર્યક્રમની સાથે પર્વના ચતુર્થ દિવસે તા. ર૩ને શનિવાર સવારના 09 કલાકે વિશ્વના ખૂણે-ખૂણેથી ભાવિકો જોડાઈને 5 કરોડ પંચ પરમેષ્ઠિની જપસાધનાનું એક સાથે, એક સમયે પવિત્ર ગુંજારવ કરીને વિશ્વ શાંતિની ભાવના પ્રસરાવશે.
સવિશેષ, પર્વના પંચમ દિવસે તા: ર૪ રવિવારે, સવારના 09:00 કલાકથી પ્રભુના માતા ત્રિશલા દેવીને આવેલા 14 મહાસ્વપ્નોની રજવાડી વણઝારના દિવ્ય દર્શન સાથે દેશ-વિદેશના લાખો ભાવિકો પ્રભુ જન્મના વધામણા કરીને ભગવાન મહાવીર જન્મોત્સવ ઉજવી ધન્ય બનશે તો સપ્તમ દિવસે તા: 26 બુધવારે બપોરના 03:00 કલાકે સમગ્ર ભારત તેમજ વિદેશના હજારો બાળકો માટે બાળ સહજ નાના નાના પાપ-દોષોની વિશુદ્ધિ કરાવતી 'બાલ આલોચના વિધિ' યોજાશે. પર્વના અંતિમ દિવસે તા: 27 બુધવારે, બપોરના 03 કલાકે પરમ ગુરુદેવના શ્રીમુખેથી એક સાથે હજારો ભાવિકોને શ્રાવક દીક્ષાની અર્પણતા સાથે જનમ- જનમના પાપ-દોષોની વિશુદ્ધિ સ્વરૂપ 'સંવત્સરી આલોચના વિધિ' કરાવવામાં આવશે.
સંસારથી પરે થઈને, ગિરનારની પવિત્ર તીર્થભૂમિ પર ગુરુ ભગવંતના સાંનિધ્યે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની આયોજિત દરેકે દરેક આરાધના તેમજ કાર્યક્રમનો લાભ લઈને આ ભવ અને ભવોભવનું કલ્યાણ સાધી લેવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા પારસધામ - ગિરનાર તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
પર્વના દરેક કાર્યક્રમ પ્રભુ નેમ દરબાર, રૂપાયતન રોડ, ગિરફાર્મ, જૂનાગઢ ખાતે યોજાશે.
(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
