News of Sunday, 17th August 2025
ગોંડલમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ: લોકમેળાની મજા બગડી: ગ્રાઉન્ડમાં પાણી ભરાતા રાઇડ્સ બંધ કરાઈ
શહેરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો જેના કારણે મેળાના ગ્રાઉન્ડમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા રાઇડ્સ બંધ કરવાની ફરજ પડી

અમદાવાદ :હવામાન વિભાગની આગાહીને પગલે સૌરાષ્ટ્ર સહિત અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેવામાં રાજકોટના ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે. શહેરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ગોંડલનો લોકમેળો પણ પ્રભાવિત થયો છે. મેળાના ગ્રાઉન્ડમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા રાઇડ્સ બંધ કરવાની ફરજ પડી છે, જેથી મેળાની મજા માણવા આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વાવણી બાદ પ્રથમવાર ગોંડલમાં આટલો ધોધમાર વરસાદ થયો છે.
સતત વરસતા વરસાદને કારણે મેળાના ગ્રાઉન્ડમાં કાદવ અને પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. મેળાનું સંચાલન કરતા સંચાલકોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વરસાદને કારણે મેળામાં આવતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હજુ પણ ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ મેળાના આયોજકો અને મુલાકાતીઓ માટે તે મુશ્કેલીરૂપ સાબિત થયો છે.
હવામાન વિભાગ અનુસાર, 17 ઓગસ્ટ 2025ના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, બોટાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાટણ જિલ્લા સહિત અન્ય જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
