<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th August 2025

સોમનાથના દરિયામાં ડૂબી રહેલા યુપીના યુવાન યાત્રાળુને બચાવી લેવાયો

ફાયર બ્રિગેડ, ફોટોગ્રાફરો અને સ્‍થાનિકોની સરાહનીય કામગીરી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૧૯: ઉત્તર પ્રદેશનો ૨૮ વર્ષીય યાત્રાળુ સોમનાથના દરિયા કિનારે હતો ત્‍યારે અચાનક દરિયાના પ્રવાહમાં ખેંચાઈને ડૂબવા લાગ્‍યો હતો. આ દૃશ્‍ય જોતા જ તાત્‍કાલિક સ્‍થળ પર હાજર ફાયરમેન ભૌતિક સિંહ પરમાર અને વિજય કોડિયાતર રેસ્‍કયુ સાધનો સાથે તેની મદદ માટે દોડી ગયા હતા.

તેમની સાથે જ, સોમનાથના દરિયા કિનારે યાત્રાળુઓ માટે ફોટા પાડવાની સેવા આપી રહેલા ફોટોગ્રાફર વિજય બામણીયા અને યાત્રાળુઓને ઘોડેસવારી કરાવતા કેટલાક સ્‍થાનિક ચાલકો પણ મદદ માટે પહોંચી ગયા હતા. સૌએ સાથે મળીને યુવાનને સુરક્ષિત રીતે દરિયામાંથી બહાર કાઢયો હતો.બચાવ બાદ યુવાનને તાત્‍કાલિક હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યો છે.

ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસ દરમિયાન યાત્રિકોની સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને વેરાવળ ફાયર બ્રિગેડની ટીમને સોમનાથના દરિયા કિનારે સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી છે, જેના કારણે આ ગંભીર ઘટનાને નિવારી શકાઈ હતી. આ સમગ્ર ઘટનામાં સ્‍થાનિકોની સમયસૂચકતા અને ફાયર બ્રિગેડની તત્‍પરતાને કારણે એક જીવ બચી ગયો છે. (૯.૨૨)

(1:18 PM IST)