તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
વ્હેલી સવારથી સોરઠમાં વરસાદ, વંથલીમાં વધુ ૩ ઇંચ
કેશોદ, માંગરોળ, માળીયામાં ૧-૧ ઇંચ, જુનાગઢ, ગીરનાર પર ધીમી ધારે મેઘ કળપા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૨૦: વ્હેલી સવારથી મેઘરાજા સોરઠમાં જમાવટ કરતા વંથલીમાં વધુ ૩, મેંદરડામાં ૨ ઇંચ અને કેશોદ માંગરોળમાં ૧-૧ ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે જુનાગઢ, ગીરનાર પર ધીમી ધારે મેઘ કળપા શરૂ થઇ હતી.
જૂનાગઢ સહિત સોરઠમાં ભારે અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે આજે પણ સવારથી મેઘરાજાએ મંડાણ કર્યા છે. વંથલી અને તેના ગ્રામ્ય વિસ્તારમાં મંગળવારે ધીમી ધારે મહેર વરસાવ્યા બાદ આજે સવારે મેઘરાજા તૂટી પડ્યા હતા. સવારે ૬ થી ૮ના પ્રારંભિક બે કલાકમાં વંથલી તાલુકામાં ૬૨ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે મેંદરડા તાલુકામાં ૫૪ મીમી વરસાદ થયો હતો.
મંગળવારની જેમ આજે પણ સવારે માંગરોળ વિસ્તારમાં ફરી મેઘ સવારી આવી પહોંચી હતી. અને વધુ એક ઇંચ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ હતી.
માંગરોળની સાથે સાથે કેશોદ તેમજ માળિયા હાટીના તાલુકામાં પણ સવારે વધુ એક ઇંચ થયો હતો.
જુનાગઢ શહેર તેમજ ગિરનાર અને દાતાર પર્વતીય ક્ષેત્રમાં પણ સવારથી મેઘરાજાએ જમાવટ કરી છે ધીમી ધારે પવન વચ્ચે વરસાદ શરૂ થતા જનજીવનને અસર થઈ હતી.
માણાવદર તથા ભેસાણ તાલુકામાં સવારે નોંધપાત્ર વરસાદના વાવડ પ્રાપ્ત થયા ન હતા પરંતુ મેઘાવી માહોલ હોવાથી દિવસ દરમિયાન મેઘરાજા જમાવટ કરે એવી શકયતા જોવાઈ રહી છે. (૩.૫)
(11:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
