તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
દ્વારકામાં ૬ ઇંચ વરસાદથી સર્વત્ર પાણી-પાણી
નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાઃ વાહનચાલકો હેરાનઃ ખેતીને જીવનદાન

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા.૨૦: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન બન્યા છે. સતત વરસતા વરસાદે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં જીવનપ્રવાહને અસર કરી છે. ખાસ કરીને ગઈકાલે એક જ દિવસમાં ૬ ઇંચ જેટલો વરસાદ પડતા શહેરમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી.
વહેલી સવારે માત્ર બે કલાકમાં વધુ એક ઇંચ વરસાદ વરસતા દ્વારકા શહેરના ઇસ્કોનગેટ, ભદ્રકાલી ચોક અને આસપાસના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી જતાં લોકોએ પરેશાનીઓ અનુભવવી પડી.સતત વરસતા વરસાદને કારણે ગામડાંના રસ્તાઓ પર ચીકટ-પાણી છવાઈ જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. તળાવો, ચેકડેમ અને નદી-નાળા પણ છલકાઈ રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીને તો જીવદાન મળ્યું છે, પરંતુ શહેરમાં પાણી ભરાવા જેવી પરિસ્થિતિને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે.હવામાન વિભાગે આગાહી કરી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી દિવસોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. આથી તંત્રને સાવચેત રહેવાની તેમજ નાગરિકોને જરૂરી તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.(તસ્વીરઃ દિપેશ સામાણી- દ્વારકા)(૨.૮)
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
