<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

રાપરમાં ચડ્ડી ગેંગ ત્રાટકીઃ ત્રણ મકાનોના તાળા તોડી ચોરી

સીસીટીવીમાં દેખાઈ હિલચાલ, થોડા સમય પહેલાં ભુજમાં દેખાયેલ ગેંગ જેવી જ ગતિવિધિ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા. ર૦: કચ્‍છમાં ચડ્ડી ગેંગ દ્વારા સોસાયટી વિસ્‍તારમાં મકાનોને ટાર્ગેટ કરી ચોરી માટે નિશાન બનાવવાની હિલચાલ લોકોમાં ચિંતા સર્જી રહી છે. થોડા સમય પહેલાં જ ભુજમાં માધાપર રોડ ઉપર આવેલ કલાપૂર્ણ સોસાયટીમાં જોવા મળેલ હિલચાલ જેવી જ હિલચાલ સાથે રાપરના અયોધ્‍યાપૂરી વિસ્‍તારમાં ચડ્ડી ગેંગ દ્વારા એક સામટા ત્રણ મકાનમાં ચોરી કરવાના બનાવે ચકચાર સર્જી છે.

આ સમગ્ર હિલચાલમાં ચાર જેટલા શખ્‍સો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમણે એક જ રાતમાં ત્રણ મકાનોના તાળાં તોડયા છે. મોડી રાત્રે બે થી ત્રણના ગાળામાં બનેલી આ ઘટનાથી ભયનો માહોલ ફેલાયો છે. ચોર ટોળકીએ આ વિસ્‍તારમાં ચોરી કરી છે કે કેમ તે જોકે કેટલા રૂપિયા કે કઈ કિંમતી વસ્‍તુઓની ચોરી થઈ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. રાપર શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પરપ્રાંતીય શખ્‍સો નાસતાની લારી તથા ભંગાર વાળા તથા ફર્નિચર વેચાણ લાદી ઇલેક્‍ટ્રીક રિપેરિંગ તથા કડીયા કામ કરી દિવસમાં વિસ્‍તારની રેકી કરી ચોરી ને અંજામ આપી રહ્યા છે રાપર ફતેહગઢ સલારી તથા વાડી વિસ્‍તારમાં અવારનવાર ચોરી ના બનાવો બન્‍યા છે સ્‍થાનિક પોલીસ બારાતુ શખ્‍સો ની સામે તપાસ કરી આઇડી પ્રૂફ તપાસી બારાતુ શખ્‍સો સામે પગલાં લેવાની માગણી ઉઠી છે. (તસ્‍વીરઃ મુકેશ રાજગોર-રાપર)

(11:25 AM IST)