તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
ધ્રોલના વિરાણી ખીજડીયા પાસે ઉંડ નદીમાં નાહવા પડેલા પરપ્રાંતિય શ્રમિક પિતા-પુત્ર ડુબ્યા : પિતાનું કરુણ મૃત્યુ નિપજતાં ભારે અરેરાટી
ભુપેન્દ્રભાઈ ને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તબીબે મૃત જાહેર કર્યા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૦ : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડીયા ગામ પાસે આવેલી ઉંડ નદીમાં નાહવા માટે પડેલા પર પ્રાંતિય શ્રમિક એવા પિતા પુત્ર જે પૈકી પિતાનું ડૂબી જતાં મૃત્યુ નિપજ્યું છે, જ્યારે પુત્રનો બચાવ થયો છે. આ બનાવને લઈને ભારે કરુણ દ્રશ્ય સર્જાયા હતા.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની અને હાલ ધ્રોલ તાલુકાના વિરાણી ખીજડીયા ગામ માં રાયધનભાઈ વીરાભાઇ ડાંગર ની વાડીમાં રહીને ખેતી કામ કરતા ભુપેન્દ્ર મોતીભાઈ મેડા (૩૩ વર્ષ) તેમજ તેનો પુત્ર વિશાલ કેઓ બંને ગઈકાલે પોતાના ગામની ઉંડ નદીમાં નાહવા માટે પડ્યા હતા,જે દરમિયાન પિતા ભુપેન્દ્રભાઈ નદીમા ગરકાવ થયા હતા, અને બેશુદ્ધ બની ગયા હતા. જો કે પુત્ર નો બચાવ થયો હતો.
આ બનાવ બાદ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા, અને ભુપેન્દ્રભાઈ ને પાણીમાંથી બહાર કાઢી બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકની પત્ની અનિતાબેન ભુપેન્દ્રભાઈ મેડાએ પોલીસને જાણ કરતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વધોરા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
