તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
બપોરે 12 સુધીમાં મેંદરડામાં 13, વંથલી, કેશોદમાં 10 ઇંચ વરસાદ : માણાવદરમાં 5, માંગરોળ 4, જૂનાગઢમાં 3 ઇંચ વરસાદ
ભારે અતિ ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થઈ જતા વાહન વ્યવહારને ખૂબ જ અસર : કેટલાક રસ્તાઓ બંધ થઇ જતા વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. 20 : જુનાગઢ સહિત સોરઠમાં આજે એક જ દિવસમાં ચોમાસાનું ચિત્ર પલટાઈ જવા પામ્યો છે. વહેલી સવારથી મેઘરાજાએ મંડાણ કરતા બપોરના 12 વાગ્યા સુધીમાં જુનાગઢ જિલ્લામાં 1 થી 13 વરસાદ નોંધાયો હતો.
આજના વરસાદથી સૌથી વધુ અસર કેશોદ, મેંદરડા, માણાવદર વંથલી સહિતના વિસ્તારોને થઈ છે. ભારે અતિ ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થઈ જતા વાહન વ્યવહારને ખૂબ જ અસર થઈ છે. કેટલાક રસ્તાઓ બંધ થઇ જતા વાહન વ્યવહારને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને જળાશયોમાં પાણીની ભરપૂર આવક થતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.
સવારના 6 થી 12 સુધી 6 કલાકમાં સૌથી વધુ 13 ઇંચ વરસાદ મેંદરડા વિસ્તારમાં નોંધાતા લોકોની હાલત દયાજનક થઈ ગઈ છે.
છેલ્લા 6 કલાકમાં માણાવદર તાલુકામાં 5, વંથલીમાં 10, કેશોદ વિસ્તારમાં 10, માંગરોળ તાલુકામાં 4, માળીયાહાટીના પંથકમાં પણ 4 ઇંચ, ભેસાણમાં 7 મીમી, વિસાવદર 10 મીમી, વરસાદ નોંધાયો હતો.
જુનાગઢ શહેરમાં 3 ઇંચ વરસાદ થતા કાળવા વોંકળામાં ભરપૂર પાણી આવ્યું હતું. આ સાથે પાણી ડાયવર્ટ કરવામાં આવતા શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવર ફરી ઓવરફ્લો થયું હતું. બપોરે પણ સમગ્ર જિલ્લામાં ધીમીધારે વરસાદ ચાલુ રહેતા લોકોના હાલ બેહાલ થઈ ગયા હતા.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
