<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

પોરબંદરની ભોરાસર સીમ શાળાની ફરતે પાણી ભરાતા ૪૫ વિદ્યાર્થીઓ અને ૪ શિક્ષકોનું ‘રેસ્‍કયુ'

બચાવ સંદેશો મળતા એનડીઆરએફની ટીમ દોડી ગઈઃ તમામનો બચાવ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૧: તાલુકાની ભોરાસર સીમ શાળાની ફરતે વરસાદના પુરનું પાણી ભરાય જતાં ફસાય ગયેલા ૪૫ વિદ્યાર્થી અને ૪ શિક્ષકોનું એનડીઆરએફ ટીમે ‘રેસ્‍કયુ' કરીને તમામને હેમખેમ બચાવી લીધાં હતાં. ભોરાસર સીમ શાળાએ જતાં વચ્‍ચે રસ્‍તામાં પુલ પરથી પાણીનો પ્રવાહ વધવાથી  પરત ફરી ન શકવાને કારણે તેમજ શાળાની ફરતે પાણી ચરાતા ૪૫ વિદ્યાર્થીઓ ૪ શિક્ષકો  ફસાયા હતાં.

આ બાબતની વહીવટી તંત્રને જાણ થતાં બાળકો સહી સલામત પોતાના ઘરે પહોંચે તે માટે તુરંત એનડીઆરએફની ટીમ રવાના કરવામાં આવી હતી અને એનડીઆરએફની ટીમ મદદથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સલામત રીતે રસ્‍તો પસાર કરાવાયો હતો અને વિદ્યાર્થીઓને પોતાના ઘરે સહીસલામત પહોંચાડ્‍યા હતા.

ભોરાસર સિમશાળાએ જતા વચ્‍ચે રસ્‍તામાં પાણીનો પ્રવાહ વધવાને કારણે બાળકો સિમશાળા ખાતેથી ઘરે પરત ફરી શકે તેમ ન હતા સ્‍કુલ ખાતે ફસાયાની જાણ થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનોદ પરમાર, પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, રાણાવાવ પોલીસના  અધિકારીશ્રીઓ અને ડીપીઓ શ્રી ગૌતમભાઈ વાળા ડિઝાસ્‍ટરની ટીમ સાથે પહોંચ્‍યા હતાં અને બાળકોને સલામત રીતે રસ્‍તાને પાર કરાવ્‍યો હતો. અને બાળકો સલામત રીતે ઘરે પહોંચતા વાલીઓએ વહીવટી તંત્ર અને સરકારશ્રીનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. (રર.૧૬)

(12:11 PM IST)