<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

પોરબંદર જિલ્લાના ૮ ડેમોમાંથી ૩ ડેમો ઓવરફલો

અમીપુર, સારણ અને સોરઠી ડેમ છલકાય જતા ડેમના નીચાણ વાળા વિસ્‍તારમાં લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા અનુરોધ

અમીપુર ડેમ ઓવરફલો થયો તે તસ્‍વીર. 

(પરેશ પારેખ દ્વારા)  પોરબંદર, તા. ર૧ :  જિલ્લામાં ઉપરવાસના વિસ્‍તારોમાં પડેલ અને સ્‍થાનિક વરસાદના કારણે પાણીના પ્રવાહની આવક થતા જિલ્લાના આઠ ડેમમાંથી ત્રણ ડેમ ઓવરફલો થયા છે. અમીપુર, સારણ અને સોરઠી ડેમ ૧૦૦ ટકા ભરાયા છે. આ ત્રણ ડેમ ઓવરફલો થતાં આ ડેમોના દરવાજા ખોલવામાં આવ્‍યા છે. અને ફોદાણા ડેમ ૭૦ ટકા ખંભાળા ડેમ ૬૦ ટકા, અડવાણા ડેમ ૨૮ ટકા, સારણ ડેમ ૧૦૦ ટકા, કાલિન્‍દ્રી ડેમ ૪૨ ટકા, રાણાખીરસરા ડેમમાં ૬૪ ટકા પાણીનો જથ્‍થો છે.

અમીપુર ડેમના ૦.૩૦ મીટર ત્રણ દરવાજા ખોલવામાં આવ્‍યા છે, અને અમીપુર ડેમમાં ૩૧ એમસીએમ પાણીની સંગ્રહ ક્ષમતા છે, ત્‍યારે ૪૦૪૬ કયુસેક પાણીની આવક થઈ રહી છે. તેમજ સારણ ડેમમાં એક દરવાજો ૦.૩૦ મીટર ખોલવામાં આવ્‍યો છે, ૧.૪૩૧ એમસીએમ પાણીની સંગ્રહ ક્ષમતા છે, અને આ ડેમમાં ૧૮૬.૩૮ કયુસેક પાણીની આવક થઈ રહી છે. તેમજ રાણાખીરસરા ડેમમાં ૧૦૫૨.૩૦ કયુસેક પાણીની આવક થઈ રહી છે, આ ડેમની ૨.૬૦૩ એમસીએમ પાણીની કુલ સંગ્રહ ક્ષમતા છે. જેમાંથી એક દરવાજો ૦.૩૦ મીટર ખોલવામાં આવ્‍યો છે.

ઉપરાંત સોરઠી ડેમમાં ૮.૪૫૮૮ એમસીએમ પાણીની સંગ્રહ ક્ષમતા છે. આ ડેમ ૦.૩૦ મીટર ઓવરફલો થયો છે, ૧૫૬૯ કયુસેક પાણીની આવક થઈ રહી છે, પરંતુ, આ ડેમમાં દરવાજા નથી એટલે જેટલા કયુસેક પાણીની આવક થઈ રહી છે તેટલી જ જાવક છે.

હાલ અમીપુર, સારણ,  સોરઠી સહિતના ડેમ ઓવરફલો થયા છે. અને અમીપુર ડેમમાં ત્રણ દરવાજા ખોલવામાં આવ્‍યા છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. પોરબંદર જિલ્લામાં વરસાદ ચાલુ હોય પ્રવાસીઓએ તેમજ નીચાણ વાળા ગામોના સ્‍થાનિક લોકોએ જરૂરી તકેદારી રાખવા અને રસ્‍તા પરથી પાણી વહી રહ્યું હોય ત્‍યારે સાવધાની રાખવા કલેકટર શ્રી એસ ડી ધાનાણી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્‍યો છે. (૪.૧૪)

(1:13 PM IST)