તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 21st August 2025
હિરણ-૨ ડેમ ખાતે નીરના વધામણા કરતાં કલેક્ટર ધારાસભ્ય ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિ

(દિપક કકકડ દ્વારા) વેરાવળ, તા.૨૧: પવિત્ર શ્રાવણ માસમાં ગીર સોમનાથ જિલ્લામાં શ્રીંકાર વર્ષાના પરિણામે ઉમરેઠી (હિરણ-૨) ડેમમાં સતત નવા નીરની આવક થઈ રહી છે.
ભારે વરસાદને લઈ ડેમમાં નવા નીર આવતા જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાય દ્વારા અને ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડની ઉપસ્થિતિમાં શાષાોક્ત વિધિથી વૈદિક રીતે પૂજા કરી અને શ્રીફળ, ચોખા-ચૂંદડી અર્પણ કરી નવા નીરના વધામણાં કર્યાં હતાં.
હાલ નવા નીરની આવકના કારણે રૂલ લેવલ અનુસાર ૧૧૭૧ એમ.સી. એફ.ટી. એટલે કે ૮૫.૯૬% ડેમમાં પાણીનો જથ્થો છે તેમજ ડેમની હાલની સપાટી ૭૦.૫૦ મીટર લેવલ છે. સાંજે ૦૭.૦૦ સુધીમાં ડેમના બે દરવાજા ૦.૪૫ મીટર ખોલવામાં આવ્યાં છે. જેમાંથી ૩૩૪૭ કયૂસેક પાણી છોડવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સર્વત્ર વરસાદના કારણે ઉમરેઠી ડેમ છલકાઈ ચૂકયો છે. હિરણ-૨ ડેમમાં આવેલા નવા નીરના કારણે વેરાવળ અને તાલાલા તાલુકા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આનંદ છવાયો છે. ડેમનું પાણી વિસ્તારની ખેતીને સમળદ્ધ કરવા સાથે વિકાસને પણ પાણીદાર બનાવશે.
નવા નીરની વધામણી કરવા ઉમરેઠીના સરપંચ જયદીપ જોટવા, મામલતદાર શ્રી કે.જી.ચૂડાસમા, કાર્યપાલક ઈજનેર શ્રી જે.કે.કરાવદરા, નાયબ ઈજનેર શ્રી આર.કે.સામાણી, સહાયક ઈજનેર શ્રી એસ.જે.સોલંકી સહિત કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
