તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st August 2025
ઓખામાં પૌરાણીક શ્રી મોમાઇ માતાજી મંદિરના પૂજારીની ઓરડીમાંથી રૂા. ૧ર.૪૦ લાખની ચોરી ,
મંદિરમાં સેવા-પૂજા કરવા રાખેલા રાજસ્થાની શખ્સ રોકડ અને મોટર સાયકલ લઇને નાશી છૂટયોઃ આરોપીની શોધખોળ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૧: ઓખામાં નાગેશ્વર મંદિરથી થોડી દૂર આવેલા ૯૦૦ વર્ષ પૌરાણીક મોમાઈ માતાજીના મંદિરના પૂજારીની ઓરડીમાં સેવા પૂજા માટે રાખવામાં આવેલા એક રાજસ્થાની શખ્સ દ્વારા ઓરડીમાંથી રૂ. ૧૧.૯૦ લાખની રોકડ રકમ તેમજ એક મોટરસાયકલની ચોરી કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ ચકચારી બનાવ અંગે પોલીસ દફતરે જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકાના ઓખાથી ૩૦ કિલોમીટર દૂર આવેલા મૂળવેલ ગામના દરિયા કિનારે આવેલા મોમાઈ માતાજીના મંદિરના પૂજારી અનિલગીરી મોહનગીરી દશનામી નામના યુવાન થોડા દિવસો પૂર્વે ભંડારો કરવા માટે નેપાળ ગયા હતા. આથી તેમણે મંદિરમાં સેવા-પૂજા કરવા માટે રાજસ્થાન રાજ્યના જોધપુર જિલ્લાના મૂળ રહીશ એવા નખતારામ શિમર્થરામ નામના શખ્સને રૂ. ૫,૦૦૦ નક્કી કરીને રાખ્યો હતો.
આ પછી ગત તારીખ ૧૯ ઓગસ્ટના રોજ ઉપરોક્ત મંદિરના પૂજારી અનિલગીરીની ઓરડીમાં રહેલી લોખંડની પેટીમાંથી રૂ. ૧૧.૯૦ લાખ જેટલી રોકડ રકમ લઈને ઉપરોક્ત શખ્સ નાસી છૂટયો હતો. આટલું જ નહીં, અનિલગીરીનું રૂપિયા ૫૦,૦૦૦ ની કિંમતનું ટીવીએસ કંપનીનું મોટરસાયકલ પણ સાથે લઈ ગયો હોવાનું ખુલવા પામ્યું છે.
આમ, કુલ રૂપિયા ૧૨,૪૦,૦૦૦ ના મુદ્દામાલની ચોરી થવા સબબ મૂળવેલ ગામના રહીશ અને ખેતી તેમજ સમાજ સેવાની પ્રવળત્તિ કરતા જીવણભા જોધાભા જગતિયા નામના યુવાનની ફરિયાદ પરથી ઓખા મરીન પોલીસે જોધપુરના નખતારામ શિમર્થરામ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૬ મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણ સંદર્ભે ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. આર.આર. ઝરૂ તેમજ તેમની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરી, આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
