<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

શ્રી સર્વ સેવા સંઘની પહેલઃ કચ્‍છના મુન્‍દ્રા તાલુકાની સરકારી શાળાઓમાં ૧૫૦ પ્રવાસી શિક્ષકોની નિયુક્‍તિ કરાઈ

આરોગ્‍ય, શિક્ષણ જેવા સેવા ક્ષેત્રોમાં સામાજિક સંસ્‍થાઓને સરકાર સાથે સંકલન સાધી ખૂટતી કડીઓ જોડવાની દિશામાં વિચારવા જીગર તારાચંદભાઈ છેડાની અપીલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૧: શ્રી સર્વ સેવા સંઘ દ્વારા ‘જ્ઞાન જ્‍યોતિ' યોજના હેઠળ મુન્‍દ્રા તા.ના પ્રાગપર ખાતે આશાપુરાધામમાં ૧૫૦ પ્રવાસી શિક્ષકોને નિયુક્‍તિ પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાઇ ગયો. આ પ્રસંગે સંસ્‍થાના પ્રમુખ જીગર તારાચંદભાઇ છેડાએ જણાવ્‍યું હતું કે, જ્‍યાં શિક્ષકોની ઘટ છે ત્‍યાં વિદ્યાર્થીઓને મદદરૂપ બનવા સરકાર અને તંત્ર સાથે સહભાગી બની મુન્‍દ્રા તા.ના મોટાભાગના ગામોની સરકારી શાળાઓને આવરી લેવાનો તેમનો આ પ્રયાસ છે.

તેમણે આરોગ્‍ય અને શિક્ષણ જેવા જાહેર સેવા ક્ષેત્રે સરકાર સાથે સંકલન સાધી ખૂટતી કડીઓ જોડી મદદરૂપ બનવા માટે સંસ્‍થાઓને અપીલ કરી હતી. હાલના તબક્કે સરકાર દ્વારા શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોઈ પ્રથમ સત્ર સુધી આ વ્‍યવસ્‍થા કરાઈ છે. જરૂરત પડ્‍યે ફરી વિચારણા કરી પરિસ્‍થિતિ અનુસાર આ યોજના આગળ વધારવાની જરૂરત પડશે તો સંસ્‍થા ચોક્કસ હકારાત્‍મક અભિગમ સાથે આગળ વધશે. શ્રી છેડાએ તમામ પ્રવાસી શિક્ષકોને એડવાન્‍સમાં જ માસિક નવ હજાર રૂપિયા પ્રમાણેનું માનદ વેતન ચૂકવવાની જાહેરાત કરી હતી. કચ્‍છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીએ દિવંગત પૂર્વ રાજ્‍યમંત્રી તારાચંદભાઈ છેડાની સેવા ભાવનાને યાદ કરતા તેમની સેવાની પરંપરાને આગળ ધપાવવા બદલ અને તારાચંદભાઈની પુણ્‍યસ્‍મળતિમાં ૧૫૦ પ્રવાસી શિક્ષકોના માનદ વેતનનો તમામ ખર્ચ ચૂકવવાનો નિર્ણય કરનાર તેમના પુત્ર જીગરભાઈને અભિનંદન આપ્‍યા હતા. તેમણે સરકાર દ્વારા કચ્‍છમાં નવા શિક્ષકોની તાત્‍કાલિક નિયુક્‍તિની કરાયેલી પ્રક્રિયા વિશે જાણકારી આપી આવનારા દિવસોમાં શિક્ષકોની ઘટ નહીં રહે એવી હૈયા ધારણ આપી હતી.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્‍ય રમેશ મહેશ્વરી, મુન્‍દ્રા બારોઇ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશી, જિલ્લા પંચાયત સદસ્‍યો મહેન્‍દ્રભાઈ ગઢવી, પ્રદ્યુમનસિંહ જાડેજા, દેવશીભાઈ પાતારીયા, શિક્ષણ વિભાગના એડીઆઈ મૂળજીભાઈ મીંઢાણી સહિત અન્‍ય આગેવાનોએ ઉદ્દબોધન કર્યું હતું. સંસ્‍થાના આગેવાનો મુકેશ ભટ, ગિરીશ છેડા, ભાવેન્‍દ્રસિંહ જાડેજા, હરેન્‍દ્રસિંહ જાડેજા, ડો. અશોક ત્રિવેદી સાથે વિનોદ ગાલા અને હરનીશ મહેતા સહયોગી બન્‍યા હતા. કાર્યક્રમનું સંચાલન મૂળજીભાઈ મીંઢાણીએ કર્યું હતું. 

(1:23 PM IST)