<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ભાવનગર-મહુવાના જામીન ઉપર ફરાર બે કેદીને પોલીસે નેપાળ જઇ ફિલ્‍મીઢબે ઝડપી લીધા

રાજકોટ જેલમાં બંને સાથે હોય બંને સંપર્કાં આવેલ અને હોટલમાં રોકાયેલા

 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૨: જામીન પર છુટી અને ફરાર બની ગયેલા બે આરોપીઓને પડોશી દેશ નેપાળમાં જઇ ભાવનગર પોલીસના પેરોલ ફર્લો સ્‍કવોડ દ્વારા ફિલ્‍મી ઢબે જબ્‍બે કરવામાં આવ્‍યા છે. કોઇ અન્‍ય દેશમાંથી આરોપીઓને શોધી કાઢી અને ભાવનગર લાવ્‍યા હોય તેવો સ્‍થાનિક પોલીસ માટે પ્રથમ બનાવ છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૭માં મહુવા પોલીસ મથકમાં દાખલ થયેલા બળાત્‍કારના ગુનામાં રાજકોટ જેલમાં ૧૦ વર્ષની સજા પામેલા અને ૮ વર્ષ પૂર્ણ કરી ચૂકેલા જહીર અબ્‍બાસઅલી રાજાણી (હુસેની ચોક મહુવા) વચગાળાના ૧૦ દિવસના જામીન મેળવી અને જાન્‍યુઆરી-૨૦૨૫થી ફરાર થઇ ગયો હતો. જ્‍યારે નિલમબાગ પોલીસ મથકમાં જીએસટીના બોગસ બિલિંગના કેસમાં ગુજસીટોક ગુના તળે રાજકોટ જેલમાં રહેલા કાસીમ શૌકતઅલી ગોવાણી (ખોજાવાડ, આંબાચોક, ભાવનગર) ૭ દિવસના વચગાળાના જામીન મેળવી અને છેલ્લા ૧૪ દિવસથી ફરાર થઇ ગયો હતો.

બંને આરોપીઓને શોધવા ભાવનગર પોલીસની પેરોલ ફર્લો સ્‍ક્‍વોડ દ્વારા ટેકનિકલ ડેટા મેળવવામાં આવ્‍યો હતો જેમાં કાસીમ ઉત્તર પ્રદેશના ગોરખપુર નજીક હોવાનું લોકેશન મળતુ હતુ, જ્‍યારે જહીર છેલ્લા આઠ મહિનાથી નેપાળમાં હતો અને રાજકોટ જેલમાં બંને સાથે હોવાથી બંનેને સંપર્ક હતો તેથી જહીરે કાસીમને પણ નેપાળ બોલાવી લીધો હતો. જહીરે કાસીમને જણાવ્‍યુ હતુ કે, નેપાળમાં ભારતના મોબાઇલ સીમ કાર્ડ ટ્રેક થતા નથી. તેથી બંને સલોની

બોર્ડર થઇ અને નેપાળમાં ઘુસી ગયા હતા, નેપાળમાં તેઓ પોખરાના પર્વતીય વિસ્‍તારની ખાઇમાં એક હોટલમાં રોકાયા હતા.

પોલીસ ૧૫ દિવસથી ગોરખપુર, સલોની બોર્ડરની આજુબાજુ લોકેશન મેળવી રહી હતી અને બંને આરોપીઓને પોલીસ કયાં છે તેની માહિતી મળી જતી હતી તેથી ભાવનગર પોલીસના કર્મીઓએ પોતાના નિયમીત મોબાઇલ નંબર બંધ કરી અને હંગામી નંબર એક્‍ટિવ કર્યા હતા. આરોપીઓ બે-ત્રણ દિવસમાં સ્‍થળ બદલી નાંખતા હતા. અંતે કાસીમના ભાવનગરના સંપર્ક સુત્રોમાંથી પોલીસને બાતમી મળી હતી કે તે અને જહીર નેપાળના પોખરામાં છુપાયેલા છે.

નેપાળ પોલીસની મદદ લઇ અને ભાવનગર પોલીસ છેલ્લા ૪ દિવસથી છુપા વેષમાં પોખરામાં હોટલો ખુંદી રહી હતી, અને તેવા અરસામાં એક હોટલમાંથી જહીર અને કાસીમ સાથે જ હતા તેઓને નેપાળ અને ભાવનગર પોલીસે પકડી પાડ્‍યા હતા. આમ વિદેશની ધરતી પરથી ધરપકડ કરવામાં ભાવનગર પોલીસને પ્રથમ સફળતા હાથ લાગી છે.(૩૮.૧૩)

(10:00 AM IST)