News of Friday, 22nd August 2025
જેતલસરમાં છાયાબેન જોષી ઉપર ગાય મામલે કુકો અને તેના પુત્રો સહિત પાંચનો હુમલો
માથામાં કડાથી માર મારી ઢીકાપાટુ માર્યાઃ વીખોડીયા ભરી પછાડી દીધાઃ સારવાર માટે રાજકોટ સારવાર માટે ખસેડાયા

રાજકોટ તા. ૨૨: જેતપુરના જેતલસર ગામમાં બાપા સિતારામની મઢુલી પાસે રહેતાં છાંયાબેન જીતેન્દ્રભાઇ જોષી (ઉ.વ.૫૨) નામના વિધવા મહિલા પર ગામના જ કુકા ભરવાડ અને તેના પુત્રો રાહુલ, ગોપાલ, વિરમ તથા અન્ય એક ભુગો નામના શખ્સોએ મળી હુમલો કરી માથામાં કડાથી માર મારી તેમજ ઢીકાપાટુ મારી વીખોડીયા ભરતાં અને જમીન પર પછાડી દઇ ઇજાઓ કરતાં જેતપુર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
છાયાબેનના કહેવા મુજબ અમે અમારી એક ગાય ગામમાં રહેતાં કૂકાભાઇ ભરવાડને વિનામુલ્યે અગાઉ આપી હતી. ત્યારે અમે કહેલુ કે ગાયને તમે સાચવજો, રઝળાવતા નહિ. પરંતુ થોડા દિવસો પછી અમને ગાય ગામમાં રખડતી જોવા મળી હતી. આથી અમે કૂકાભાઇને સમજાવ્યા હતાં કે ગાયને આ રીતે ઉકરડામાં રખડતી ન મુકો તમારી ઘરે રાખો. પરંતુ તેમણે ધ્યાન આપ્યું નહોતું. દરમિયાન પરમ દિવસે ગાય અમારા ઘર તરફ આવતાં ફરીથી અમે કૂકાભાઇને ગાયને રઝળાવવા બાબતે સમજાવ્યા હતાં અને ગાય હવે તમને નથી આપવી અમેજ સાચવશું તેમ કહીને અમે ગાયને રાખી લીધી હતી.
અમારી આ ગાયને હવે કૂકાભાઇ પાછી લઇ જવા માંગતા હોઇ અમે ના પાડતાં તે તેના દિકરા સહિતના પાંચ જણા અમારી ઘરે આવ્યા હતાં અને દિકરાની ગેરહાજરીમાં માથાકુટ કરી હતી. બાદમાં ફરીથી આવી હુમલો કર્યો હતો. જેમાં મને માથામાં કડા મારી તેમજ શરીરે ઢીકાપાટુ માર્યા હતાં અને બાદમાં વીખોડીયા ભરી પછાડી દીધી હતી. દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં આ બધા નીકળી ગયા હતાં. મારા દિકરાને ાજણ થતાં મને જેતપુર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લાવવામાં આવી હતી. તેમ વધુમાં છાંયાબેન જોષીએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જેતપુર તાલુકા પોલીસને જાણ કરી હતી.
(12:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
