પાટણવાવના ઓસમ પર્વત ઉપર શ્રી માત્રી માતાજીના સાનિધ્યમાં કાલથી લોકમેળો
બે દિવસ રાસ-ગરબાની રમઝટ અને ભવાઇ કાર્યક્રમો સાથે પ્રાચીન અર્વાચીન અને આધ્યાત્મિકનો ત્રિવેણી સંગમ રચાશે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,.તા. રર : ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે આવેલ ઐતિહાસીક ઓસમ પર્વત પર શ્રી માત્રી માતાજીનાં સાનિધ્યમાં યોજાશે ત્રણ દિવસનો મેળો,
રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકાનાં પાટણવાવ ગામે આવેલ ઓસમ પર્વતપર બિરાજમાન આધ્યશક્તિ શ્રી માત્રી માતાજીનાં સાનિધ્યમાં દર વર્ષની માફક આ વર્ષ પણ પ્રાચિન, અર્વાચિન અને આધ્યાત્મિક એમ ત્રિવેણી સંગમ સમાન ભાતિગળ ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે.
મહાભારતનાં સમયકાળ દરમ્યાન શ્રી માત્રી માતાજી ‘શ્રી છત્રેશ્રવરી માતાજી' નાં નામથી પ્રચલીત હતા, અને આ પર્વતની શિલાઓ સિદ્ધિ સપાટ અને માખણ જેવી લીસ્સી હોવાથી તે સમયમાં ‘માખણીયા પર્વત' થી ઓળખવામાં આવતો. આ પર્વતનું વિહંગાવલોકન કરતાં તે ૐ (ઓમ) આકારનો દરયમાન થાય છે. તથી ઓમ+સમ = ઓસમનાં નામથી ઓળખાય છે. શ્રી અત્રીમુની તથા અનસુયા માતાએ શ્રી માત્રી માતાજીનું જપ, તપ તથા આરાધનાં આ પર્વત પર કરેલ હતી. તેની આરાધનાનાં ફળ સ્વરૂપે અત્રી મુનીનાં નામથી માતાજીનું નામ પ્રચલિત બન્યુ મા+અત્રી = માત્રી જે નામ હાલમાં જગવિખ્યાત છે.
શ્રી માત્રી માતાજી મંદિરે શ્રી માત્રી માતાજીની મંગલા પ્રાતઃ આરતી સવારે ૬:૦૦ થી ૬૩૦ તથા સંધ્યા આરતી ૬:૩૦ થી ૭:૩૦ ના દિવ્ય દર્શન થશે.
આ પર્વત પર શ્રી માત્રી માતાજીનાં સાનિધ્યમાં દર વર્ષે મેળો ભરવામાં આવે છે. શ્રી માત્રી માતાજીના મંદિરે સુંદર મજાની અન્નક્ષેત્રની વ્યવસ્થા રાખેલ છે તેમાં વરીયા પ્રજાપતિ જ્ઞાતિના વાછાણી પરિવાર છેલ્લા ૪૫ વર્ષથી અન્નક્ષેત્રમાં સેવા આપે છે અને અમાસના દિવસે શ્રી માત્રી માતાજીને ધ્વજા અપર્ણ કરશે તથા એકમના દિવસે આ પરિવાર દ્વારા શ્રી માત્રી માતાજીના સાનિધ્યમાં યજ્ઞ કરવામાં આવશે તેમજ ધંધુસર ગામના સેવકો જે મહેર જ્ઞાતિના છે તેમના તરફથી પ્રસાદમાં (ચા-પાણી) માટે દુધ તથા છાસની વ્યવસ્થા કરવામાં આવે છે. અને તળેટીથી મંદિરે જવાના રસ્તા પર ઘણા સમયથી સતવારા (કંટેશીયા) જ્ઞાતિ તરફથી જલપાનની સુંદર સેવા આપવામાં આવે છે. આ વર્ષે પણ ભાદરવી અમાસ, એકમ અને બીજ તા. ૨૩-૦૮-૨૦૨૫ થી તા. ૨૫-૦૮-૨૦૨૫ શનિવાર, રવિવાર અને સોમવાર એમ ત્રણ દિવસ સુધી મેળાનું આયોજન કલેક્ટરશ્રી રાજકોટના તાબા હેઠળ લોક મેળા કમીટી પાટણવાવ દ્વારા કરવામાં આવેલ છે. મેળા દરમ્યાન ઓસમ ડુંગર ઉપર શ્રી માત્રી માતાજીનાં મંદિરે અતિ પ્રાચીન લોકમેળામાં જેની ગણના થાય તેવા આ મેળામાં ઓસમની તળેટીમાં શ્રી પાટણવાવ લોક મેળા સમિતિ દ્વારા સુંદર તથા સુવ્યવસ્થિત આયોજન કરી ફજેત ફાળકાઓ ચકરડી તથા વિવિધ પ્રકારના ખાણીપીણીનાં તથા મનોરંજનનાં સ્ટોલો ગોઠવવામાં આવે છે.
તા. ૨૩-૦૮-૨૦૨૫ ને શનિવારના રોજ સવારે ૭:૩૦ કલાકે શુભ ચોઘડીયે શ્રી માત્રી માતાજીની જગ્યા (ગામ) માંથી મહંતશ્રી જયવંતપુરીજી તથા લઘુમહંતશ્રી વિશ્વાસપુરીજી અને અનેક સંતો-મહંતો, ગ્રામજનો-સેવકો સહિત માતાજીનું ધ્વજા નિશાન વાજતે ગાજતે નીકળી મેળાનાં મેદાનમાં થઈ અને ડુંગર ઉપર શ્રી માત્રી માતાજીનાં મંદિરે જશે. તથા શનિવાર અને રવિવારના રાત્રીનાં શ્રી માત્રી માતાજીનાં મંદિરે રાસ ગરબા તથા ભવાઈનાં કાર્યક્રમો યોજાશે. તા. ૨૫-૦૮-૨૦૨૫ ને સોમવારના સંધ્યાઆરતી બાદ મેળાની પૂર્ણાહુતિ કરવામાં આવશે. તેમ મહંતશ્રી જયવંતપુરીજી ગુરૂશ્રી રમેશપુરીજીએ પોતાની યાદીમાં જણાવેલ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
