<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

ગિરનાર ઉપર ૩, જુનાગઢમાં ર ઇંચ વરસાદઃ દામોદર કુંડ બેકાંઠે : જુઓ વિડિઓ

સોરઠમાં સવારથી ફરી જમાવટ : જુનાગઢ જિલ્લાના ૫ તાલુકામાં અડધાથી ૨ ઇંચ વરસાદ : ગિરનાર પર પડેલા ભારે વરસાદના પગલે દામોદર કુંડમાં ભરપૂર પાણીની આવક થતા દામોદર કુંડ બેકાંઠે થયો : આજે ભાદરવી અમાસને લઈને સ્‍નાન અને પિતળ તર્પણ કરવા માટે આવેલા ભાવિકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨૩ : આજે સવારથી ફરી મેઘરાજાએ જમાવટ કરતા ગિરનાર પર્વત પર ૩ અને જૂનાગઢમાં ૨ ઇંચ વરસાદ વરસતા પાણી પાણી થઈ ગયું હતું. ગિરનાર પર પડેલા વરસાદથી દામોદર કુંડ બેકાંઠે થઈ ગયો હતો.

જુનાગઢ જિલ્લામાં ગયા બુધવારે ૨૪ કલાકમાં સરેરાશ ૬૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. છેલ્લા બે દિવસથી મેઘરાજાએ આંશિક વિરામ લીધો હતો. પરંતુ આજે સવારે ફરી આળસ મરડતા મેઘરાજાએ જમાવટ કરી છે. જુનાગઢ શહેર અને આસપાસના વિસ્‍તારોમાં સવારથી મેઘ સવારી આવી પહોંચી હતી. સવારે છ થી આઠ દરમિયાન ધીમીધારે કળપા વરસાવ્‍યા બાદ ૮ વાગ્‍યાથી વરસાદની તીવ્રતા વધી હતી. અને દસ વાગ્‍યા સુધીમાં શહેરમાં બે ઇંચ વરસાદ થતાં કેટલાક વિસ્‍તારો અને રસ્‍તાઓ પાણી-પાણી થઈ ગયા હતા.

જૂનાગઢની સાથે સાથે ગિરનાર પર્વત પર પણ મેઘરાજાએ સવારે આગમન કર્યું હતું. સવારે પ્રારંભિક બે કલાકમાં અડધો ઇંચ પાણી વરસાવ્‍યા બાદ પણ મેઘરાજાએ વરસવાનું શરૂ રાખતા ગિરનાર પર્વત પર ૮ થી ૧૦ ના બે કલાકમાં ૭૦ મીમી વરસાદ નોંધાયો હતો.

ગિરનાર પર પડેલા ભારે વરસાદના પગલે દામોદર કુંડમાં ભરપૂર પાણીની આવક થતા દામોદર કુંડ બેકાંઠે થઈ ગયો હતો. જેના પરિણામે આજે ભાદરવી અમાસને લઈને સ્‍નાન અને પિતળ તર્પણ કરવા માટે આવેલા ભાવિકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો.

જુનાગઢ, ગીરનાર ઉપરાંત જિલ્લાના પાંચ તાલુકામાં છેલ્લા ચાર કલાકથી મેઘરાજાએ જમાવટ કરી છે. સવારની શરૂઆતના ચાર કલાક દરમિયાન માણાવદરમાં ૧૬ મીમી, વંથલી તાલુકામાં ૪૨ મીમી, ભેસાણ ૩૬, વિસાવદર ૧૪, મેંદરડા ૪, કેશોદ ૭ તેમજ માળીયાહાટીના તાલુકામાં ૮ મીમી વરસાદ નોંધાયો હતો. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:39 AM IST)