<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

ભાદરવી અમાસના દિવસે કોળીયાકના દરિયા કિનારે આવેલ નિષ્કલંક મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા

આ મંદિર દરિયામાં હોય જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો

ભાવનગરથી 24 કિમી દુર આવેલા કોળીયાકના દરિયા કિનારે પાંડવો સ્થાપિત નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં આજે ભાદરવી અમાસના દિવસે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે.આજના દિવસનું અહી ખાસ મહત્વ રહેલું છે જેમાં વાયકા મુજબ લોકો કોળીયાક ના દરિયામાં સ્નાન કરીને પોતે નિષ્કલંક બને છે, તેમજ પોતાના પિતૃના મોક્ષાર્થે પિતૃતર્પણ કરે છે. ભાદરવી અમાસના દિવસે આશરે બે લાખ જેટલા શ્રદ્ધાળુઓ નિષ્કલંક મહાદેવના દર્શન કરશે. જયારે આ મંદિર દરિયામાં હોય જેથી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

 

આજે ભાદરવી અમાસ,શ્રાવણ માસનો છેલ્લો દિવસ,આજના દિવસે ભાવનગર નજીક આવેલા કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં લોકો દર્શન કરવા લાખોની સંખ્યામાં આવે છે. કોળીયાકના દરિયામાં ભાદરવી અમાસના સ્નાનનું અનેરું મહત્વ છે. આ નિષ્કલંક મહાદેવનો ઈતિહાસ જોઈએ તો પાંડવો મહાભારતના યુદ્ધ બાદ પોતાના કલંકને ધોવા ભગવાન શ્રી કૃષ્ણના કહ્યા મુજબ કાળી ધજા લઈને સમુદ્રમાં હોડીમાં નીકળી પડ્યા હતા,ભગવાન શ્રી કૃષ્ણએ તેમને કહેલું કે જે જગ્યાએ આ ધજા સફેદ બની જશે ત્યાં તમે શિવલીંગ સ્થાપિત કરી પૂજા કરજો, તમારા તમામ પાપો દુર થઇ જશે અને તમે બધા નિષ્કલંક બની જશો. આથી આ જગ્યા પર આવતા અહી ધજા સફેદ થઇ જતા પાંચેય પાંડવોએ એક પછી એક એમ પાચ શિવલિંગની સ્થાપના કરી જે આજે નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય છે. 

 

પહેલા આ જગ્યા દરિયાના કિનારે હોવાનું મનાતું હતું આજે એક કિમી જેટલો દરિયો આગળ વધી જવાથી તે દરિયામાં આવી ગયું છે.દરિયાની ભરતીના પાણી ઉતાર્યા પછી અહી દર્શન કરવા જઈ શકાય છે અને દરિયામાં પૂરી ભરતી આવે ત્યારે શિવલિંગ પાસે આવેલ સ્તંભ પર લગાવેલ ધજા સુધી પાણી આવી જાય છે અને પૂરો સ્તંભ પાણીમાં ગરકાવ થઇ જાય છે. આજે ભાદરવી અમાસના દિવસે નિષ્કલંક મહાદેવ મંદિરે ભાવનગરના રાજવી પરિવારની સૌ પ્રથમ ધજા ચડે છે. રાજવી પરિવાર વતી સરવૈયા પરિવારના લોકો નૌકામાં બેસીને ધજા માટે ત્યાં પહોંચે છે. પાણી ઉતરતાની સાથે ધજા ચડાવી અને ત્યારબાદ સાવ દરિયાનું પાણી ઉતારી ગયા બાદ લોકોને દર્શન માટે જવા દેવામાં આવે છે. 

   આજના આ પર્વે આશરે બે લાખ લોકો મહાદેવના દર્શનાર્થે આવે છે. શ્રાવણ માસના છેલ્લા દિવસે મહાદેવને જળ ચડાવી તેના ચરણોમાં શીશ નમાવી ત્યારબાદ શ્રદ્ધાળુઓ આ કોળીયાકના દરિયામાં ડૂબકી લગાવી સ્નાન કરી નિષ્કલંક બને છે તો સાથે સાથે પિતૃતર્પણ કરી પિતૃને મોક્ષ અર્પણ કરે છે .આ માટે અહી ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં આજે આવે છે.આ ભીડને કાબુમાં રાખવા તેમજ કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત તેમજ દરિયામાં બચાવ ટીમોને પોલીસતંત્ર દ્વારા તૈનાત કરવામાં આવી છે

(8:21 PM IST)