News of Saturday, 23rd August 2025
મોરબી મહાપાલિકાએ 7 મહિનામાં 140 ગેરકાયદેસર બાંધકામોને ફટકારી નોટિસ.
જીડીસીઆરના નિયમોનો ઉલાળિયો કરી થતા બાંધકામો ઉપર સજ્જડ બ્રેક લાગી : મહાપાલિકામાં બાંધકામ મંજૂરીની 46 અરજીમાંથી 16ને મંજૂરી : માર્જિન ન છોડતા 5 મંજૂરી ફગાવાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી શહેરમાં નગરપાલિકાના શાસનકાળમાં બાંધકામ મંજૂરીની ઐસી તૈસી કરી વગર મંજુરીએ અનેક બાંધકામો ઉભા થઇ ગયા છે ત્યારે 1જાન્યુઆરી-2025થી મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવતા જ ગેરકાયદેસર બાંધકામો ઉપર સજ્જડ બ્રેક લાગી ગઈ છે. છેલ્લા સાત મહિનામાં મહાનગર પાલિકા સમક્ષ બાંધકામ પરવાનગી માટે 46 અરજી થઇ હતી જે પૈકી માત્ર 16 બાંધકામોને જ મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ધાક બેસાડવા મોરબી મહાનગર પાલિકાએ મોટા બિલ્ડીંગ પ્રોજેક્ટ સહિત 140 અસામીઓને નોટિસ ફટકારી હોવાનું સામે આવ્યું છે.
સીરામીક ઉદ્યોગ થકી વિશ્વભરમાં નામના મેળવનાર મોરબી શહેરમાં વિકાસ કુદકેને ભૂસકે આગળ ધપી રહ્યો છે પરંતુ શહેરમાં નાના-મોટા બિલ્ડીંગ પ્રોજેક્ટમાં બાંધકામ પરવાનગી મેળવવાની તસ્દી લેવાતી ન હોવાથી વિકાસની ગાડી આડે પાટે ચડી છે. જો કે, 01-01-2025થી મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળતા નગરપાલિકાના શાસનકાળમાં બાંધકામ પરવાનગીમા ચાલતી લાલીયાવાડી અટકી ગઈ છે. છેલ્લા સાત મહિનામાં જ મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો ઉપર ધોસ બોલાવી અત્યાર સુધીમાં 140 આસામીઓને નોટિસ ફટકારી ગેરકાયદેસર બાંધકામ અટકાવી દેવાની સાથે અનેક કિસ્સામાં આવા બાંધકામ સીલ પણ કરી દીધા છે.
મહાનગર પાલિકાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ અત્યાર સુધીમાં કોર્પોરેશન સમક્ષ બાંધકામ પરવાનગી માટે કુલ 46 અરજીઓ થઇ છે. જેમાં 16 બાંધકામો નિયમ મુજબના હોય મહાનગર પાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ 5 બાંધકામમાં માર્જિન છોડવામાં ન આવ્યા હોવાથી આવા પ્લાન ના મંજુર કરવામાં આવ્યા હતા. એ જ રીતે 13 બાંધકામ પ્લાન ડીપીઆર બહાર વિસ્તારમાં આવતા હોય આવા બાંધકામને મંજૂરી આપવામાં આવી નથી. સાથે જ હજુ 12 જેટલા બાંધકામ પ્લાન અંગેની કાર્યવાહી હાલમાં ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું
(11:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
