<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન સજામાંથી મુક્‍તિ આપનાર પોલીસ અધિકારી સામે પણ કાર્યવાહીની ચર્ચા

૧૯૮૫ની બેન્‍ચના અધિકારીની હાઇકોર્ટે આખરી ટીકા કરી છેઃ અનિરુદ્ધસિંહ સાથે એક જ ટેબલ ઉપર ભોજન લેતા હોવાના ફોટાઓ પણ સામે આવ્‍યા હતા

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૨૫: ૧૫ મી ઓગસ્‍ટ ૧૯૮૮ ના દિવસે ગોંડલના સગરામસિંહજી હાઈસ્‍કૂલના મેદાનમાં ધારાસભ્‍ય પોપટભાઈ સોરઠીયાની હત્‍યાના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીનો હુકમ કરનાર એ વખતના પોલીસ અધિકારી સામે હાઇકોર્ટે કરેલી ટિપ્‍પણી બાદ હવે ગાંધીનગર ખાતે નિવળત્ત જીવનગાળતા આ અધિકારી સામે પણ કાર્યવાહી થશે. તેવી ચર્ચા ગાંધીનગરના આઈ.એ.એસ.અને આઇ.પી.એસ.વર્તુળોમાં ચર્ચાઈ રહી છે.

ગાંધીનગર આઈ.એ.એસ.અને આઈ.પી.એસ.લોબીમાં ચર્ચાતી વિગત મુજબ હાઇકોર્ટ દ્વારા અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફીનો હુકમ રદ કરાયા બાદ હાઇકોર્ટે પણ ટીકા કરી છે તેવા પોલીસ અધિકારીને છાંટા ઉડશે અને સંભવિત તેમની સામે પણ કાર્યવાહી થશે.

ઉલ્લેખની છે કે ૧૯૮૫ ની બેન્‍ચના પોલીસ અધિકારી દ્વારા જુનાગઢ જેલ ઓથોરિટીને તારીખ ૨૯.૦૧.૨૦૧૮ ના રોજ પત્ર લખી સજા માફી આપી દેવાનો ઓર્ડર કર્યો હતો આ ઓર્ડર સામે સ્‍વ.પોપટભાઈ સોરઠીયાના પૌત્ર હરેશભાઈ સોરઠીયા દ્વારા આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાને જેલમાંથી સજા પહેલા વહેલા મુક્‍ત કરી દેવાના વિવાદિત નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો જેની સામે હાઇકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી ગેરકાયદેસર હોવાનું અને એક મહિનાની અંદર સરેન્‍ડર થવાનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો હતો.

જૂન ૨૦૨૨ માં સી.આઈ.ડી. ક્રાઈમના ડી.જી.પી. પદેથી નિવળત થયેલા આ અધિકારી પાસે હોદો ન હોવાથી તેમને બચાવવા દાજી જવાની બીકે કોઈ આવશે નહીં તેવી પણ ચર્ચા ચાલી રહી છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્‍યા મુજબ હાઇકોર્ટે કરેલ આકરી ટીકા બાદ આ અધિકારી પણ નીંદર હરામ થઈ ગઈ છે તેઓ દ્વારા આ મામલે હવે હોદો ન હોવાથી અમુક ગણ્‍યા ગાંઠયા વિશ્વાસુ મિત્રો, સંબંધીઓ દ્વારા અગમચેતીના પગલા રૂપે કાનૂની નિષ્‍ણાંતોનો અભિપ્રાય લઈ રહ્યા છે.

જોકે હાઇકોર્ટે કરેલા આ હુકમ સામે આરોપી દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો માર્ગ ખુલ્લો હોય હાલ તુરંત આ અધિકારી સામે સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે તેવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

(11:39 AM IST)