તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Monday, 25th August 2025
મોજ, આજી-ર તથા ઉમિયા સાગર ડેમના દરવાજા ખોલાયા : વેરી-ફોફળ ૮૦ ટકા ભરાયાઃ સોડવદર ઓવરફલો
પડધરી- ઉપલેટાના સંખ્યાબંધ ગામોને ચેતવણીઃ વડેખણ ગામે મકાનની છત પડી ગઇ

રાજકોટ તા. ૨પઃ તાજેતરમાં રાજકોટ અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વિવિધ જળાશયોમાં પાણીની આવક થઈ છે.
જેમાં મોજ, આજી-૨ અને ઉમિયાસાગર ડેમના દરવાજા ખોલાયા છે. વેરી ડેમ ૮૦ ટકા, ફોફળ-૧ ડેમ ૭૦ ટકા ભરાયો અને સોડવદર ૦.૨ મીટર ઓવરફ્લો થયો છે.ઉપરોક્ત તમામ ડેમોના હેઠવાસના ગામોના નાગરિકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ઉપલેટા તાલુકાના મોજ ડેમના ૧૦ દરવાજા ૧.૫૨ મીટર ખોલાયા છે.
આજી-૨ ડેમના પાંચ દરવાજા ૦.૧૫ મીટર ખોલાયા છે. જામજોધપુર તાલુકાના ઉમિયા સાગર ડેમના ૧૦ દરવાજા ૨.૧૩ મીટર ખોલાયા છે. જામકંડોરણા પાસેનો સોડવદર જળાશય ૦.૨ મીટર ઓવરફ્લો થયેલ છે , જ્યારે ફોફળ-૧ જળાશય ૭૦ ટકા પાણીથી ભરાયેલ છે. જેમાં ઉપલેટા તાલુકાના હરિયાસણ, ચરેલીયા, ખરાચિયા, રાજપરા, રબારીકા, ઉપલેટા શહેર, નવાપરા, ગઢાળા, કેરાળા, ખાખી જાળીયા, મોજીરા, સેવંત્રા, ચરેલીયા અને વડલા તથા ગોંડલ તાલુકાનાં કંટોલિયા, ગોંડલ શહેર અને વોરાકોટડા ગામોનો સમાવેશ થાય છે. જામકંડોરણા તાલુકાના દુધીવદર, ઈશ્વરીયા, તરવડા, જામજોધપુરનું સીદસર, ધોરાજીનાં ઝાંઝમેર, વેગડી અને સુપેડી ગામનો સમાવેશ થાય છે.આ ઉપરાંત પડધરીના દહીસરડા, બાઘી, અડબાલકા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખાપર અને ઉકરડા ગામનો સમાવેશ થાય છે. ઉપરોક્ત ગામના લોકોએ નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં ચેતવણી સંદેશ અપાયો છે.
ઉપલેટા તાલુકાના વડેખણ ગામે ૨૩ ઓગસ્ટના રોજ રાત્રે લાભુબેન મુળુભાઈ બગડા નામની વ્યકિતના નળિયાવાળા કાચા મકાનની છત પડી ગઈ હતી, સદનસીબે જાનમાલને કોઈ નુકસાની થયેલ નથી. આ ઉપરાંત જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા ગામે રઘુભાઈ માંડાભાઈ રાઠોડની ભેંસ ૨૩ ઓગસ્ટના રોજ સીમમાંથી ગામમાં પરત ફરતી વેળાએ સાંકરોલી નદીના વહેણમાં તણાઈ ગયાની શંકા હતી. ૨૪ ઓગસ્ટના રોજ સીમ વિસ્તારમાં પાણીમાંથી આ ભેંસ મળત અવસ્થામાં મળી આવી હતી. તેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલની યાદીમાં જણાવાયું છે.(૨.૧૪)
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
