News of Monday, 25th August 2025
પૂજ્ય શ્રી હંસાબાઈ મહાસતીજીની કાલે સવારે દેવલાલી મુકામે ગુણાનુવાદ સભા
ગોંડલ સંપ્રદાયના ગુરુ પ્રાણ પરિવારના પૂજ્ય શ્રી જયાબાઈ મહાસતીજીના સુશિષ્યા ગઈકાલે કાળધર્મ પામેલ

રાજકોટ: ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂજ્ય શ્રી પ્રાણલાલજી મહારાજ સાહેબના પરિવારના ઉગ્ર તપસ્વી પૂજ્ય શ્રી જયાબાઈ મહાસતીજીના સુશિષ્યા 94 વર્ષીય પૂજ્ય શ્રી હંસાબાઈ મહાસતીજી તા.24 રવિવારે સાંજના સવા પાંચ કલાકે દેવલાલી મુકામે સમાધિભાવપૂર્વક કાળધર્મ પામ્યા છે.
સૌરાષ્ટ્રના સાવરકુંડલાના વતનની શ્રી સમજુબા હરજીવનદાસ મગિયાના સુપુત્રી એવા પૂજ્ય શ્રી હંસાબાઈ મહાસતીજીએ 18 વર્ષની ઉંમરે પૂજ્ય શ્રી પ્રાણ ગુરુના શ્રીમુખેથી સદબોધ પામીને 24 વર્ષની ઉંમરે તેમના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરીને ગોંડલ ગચ્છ શિરોમણી પૂજ્ય ગુરુદેવ શ્રી જયંતીલાલજી મહારાજ સાહેબ તેમજ પૂજ્ય શ્રી જયાબાઈ મહાસતીજીના ચરણમાં જીવન સમર્પિત કરીને સંયમ સાધનાનો પ્રારંભ કર્યો હતો.
69 વર્ષના સુદીર્ઘ સંયમ પર્યાયી એવા સમતા મૂર્તિ પૂજ્ય શ્રી હંસાબાઈ મહાસતીજીએ પોતાના સંયમ કાળ દરમ્યાન સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, ઉત્તર ભારત, કાઠમંડુ, નેપાલ આદિ અનેક ક્ષેત્રોમાં વિચરણ કરીને શાસન પ્રભાવના કરી હતી. સંયમ જીવનના અંતિમ વર્ષોમાં દેવલાલી ક્ષેત્રમાં સ્થિરવાસ કરીને પોતાની આત્મ સાધના કરતા કરતા જીવનને ધન્ય બનાવ્યું હતું. પૂજ્ય શ્રી જ્યોતિબાઈ મહાસતીજીએ પૂજ્ય શ્રી દિવંગત મહાસતીજીની અંતિમ સમય સુધી અગ્લાન ભાવે સેવા કરીને અંતેવાસી શિષ્ય સ્વરૂપે શ્રેષ્ઠ કર્તવ્યની પાલના કરી હતી.
આજે તા. 25 બપોરે 2 વાગે પૂજ્ય શ્રી દિવંગત મહાસતીજીની પાલખીયાત્રા બપોરે 2:30 કલાકે દેવલાલી 'વૈભવ'થી નીકળેલ.
આવતીકાલે તા. 26 ને મંગળવારે સવારે ૧૦:૩૦ કલાકે ગુણાનુવાદ સભા દેવલાલીમાં બિરાજમાન સંત- સતીજીના સાંનિધ્યે યોજાશે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
