<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

ભાવનગરના મેસણકા ગામે વાડી વિસ્તારમાં શ્રમિક મહિલાની પતિએ ચરિત્રની શંકા રાખી હત્યા કરી

પોલીસે પત્નીની હત્યા મામલે પતિ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

ભાવનગર જિલ્લાના મેસણકા ગામે વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક મહિલાની પતિએ ચરિત્રની શંકા રાખી હત્યા કરાઈ, શ્રમિક મહિલાના પતિ અવારનવાર શંકા રાખી માર મારતો હતો. જોકે સંતાનો હોવાથી પત્ની માર સહન કરતી હતી પરંતુ આખરે શંકાનો અંજામ હત્યામાં પરિણામ્યો અને પોલીસે પત્નીની હત્યા મામલે પતિ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતીયાળા ગામે રહેતા લાલજી ભુપત દેલવાણીયાએ ગારિયાધાર પોલીસ મથકમાં તેમના બનેવી સંજય જીણાભાઈ પંચાસરા મુળ. રહે.ખોડવદરી, હાલ રહે. મેસણકા, તા. ગારિયાધાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, તેમના બનેવી તેમના બહેન પુનમબેનના ચારિત્ર્ય વિશે શંકા રાખી અવારનવાર માર મારી ઘરેથી કાઢી મુકતા હતો. પરંતુ 4 સંતાનો હોવાથી પુનમબેન બધુ સહન કરીને રહેતા હતા. 

21 ઓગસ્ટની રાત્રિના 11 કલાક આસપાસ પુનમબેન ચાલીને વાડીના શેઢા બાજુ ગયા હતા. અને પરત આવતા પતિ સંજયભાઈએ ક્યાં ગઈ હતી. તેમ પુછતા પુનમબેને બરાબર જવાબ નહી આપતા તેમને માર મારી શરીર પર ગંભીર ઈજા પહોંચાડી હતી. જે બાદ બીજા દિવસે પુનમબેનની તબિયત ખરાબ હતી. તેથી તેમની વાડીના માલિકે પુનમબેને દવાખાને લઈ જવાનું જણાવતા પતિ અને વાડી માલિકના ભત્રીજા તેમને દવાખાને લઈ જઈ રહ્યાં હતા. ત્યારે રસ્તામાં પુનમબેનનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગારિયાધાર પોલીસે ગુનો નોંધી આરોપી પતિને ઝડપી લઈ આગળની તજવીજ હાથ ધરી છે. 

(11:38 PM IST)