News of Tuesday, 26th August 2025
સિરામિક પ્રોડ્કટ પર ૧૮ ટકાને બદલે ૫ ટકા જીએસટી લગાડો : લઘુ ઉદ્યોગ ભારતી-મોરબીની માંગ.
લઘુ ઉદ્યોગ ભારતી મોરબી જીલ્લા દ્વારા ટાઈલ્સ, સેનેટરી વેર અને અન્ય સિરામિક પ્રોડક્ટ પર લાગતા જીએસટીને ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવા માટે રજૂઆત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : અમેરિકા સાથે ટેરીફ યુધ્ધને પગલે દેશની કંપનીઓને નુકશાનથી બચાવવા માટે સરકાર જીએસટી રીફોર્મ લાવી રહી છે જેમાં જીએસટીના સ્લેબમાં ફેરફાર થવાનો છે ત્યારે મોરબીની સિરામિક પ્રોડક્ટ પર હાલ ૧૮ ટકા જીએસટી લાગે છે જેને ૫ ટકાના સ્લેબમાં સમાવવા માટે લઘુ ઉદ્યોગ ભરતી મોરબી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
લઘુ ઉદ્યોગ ભારતી મોરબી જીલ્લા દ્વારા ટાઈલ્સ, સેનેટરી વેર અને અન્ય સિરામિક પ્રોડક્ટ પર લાગતા જીએસટીને ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરવા માટે રજૂઆત કરવામાં આવી છે રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ ટાઇલ્સ અને સેનિટરી વેર ઉત્પાદન કરતું ક્લસ્ટર છે જેમાં ૯૦૦ થી વધારે યુનિટો આવેલા છે જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૧૦ લાખ થી વધુ લોકો ને રોજગારી પુરી પાડવામાં સહાયક બની રહ્યા છે. ટાઇલ્સના વિકલ્પમાં માર્બલ ઉપલબ્ધ છે જે ટાઇલ્સ કરતા ૪૦ થી ૬૦ % મોંઘો છે. આ સિવાય ટાઇલ્સનો બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી.
મોરબીનું વાર્ષિક ટર્ન ઓવર ૭૦,૦૦૦ કરોડ થી વધારે છે અને એક્સપોર્ટનું ટર્ન ઓવર ૧૫,૦૦૦ કરોડ થી વધારે છે જે ભારતના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે.ભારતના ૯૦% થી વધુ લોકો ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો છે જેમના માટે નાનું મકાન પણ સપનું હોય છે અને તેમના સપનાના ઘર માટે ટાઇલ્સ કે સેનિટરી વેર આઇટમ લક્ઝરી પ્રોડક્ટ નહીં પરંતુ જરૂરિયાત છે.ટાઇલ્સ અને અન્ય સિરામિક પ્રોડક્ટના જીએસટી ઘટાડાથી મકાન નું કોસ્ટિંગ ૭-૮ % ઘટશે જે લાખો પરિવારોને તેમના સ્વપ્નનું ઘર બનાવવામાં આશીર્વાદરૂપ છે. મોરબીના ઉદ્યોગો MSME કેટેગરીમાં આવે છે જે ખૂબ પાતળા માર્જિન સાથે વેપાર કરે છે. જીએસટી માં ઘટાડો તમામ ઉદ્યોગો માટે ફાયદાકારક નીવડશે પ્રધાનમંત્રી આવસ યોજના જેવી અનેક યોજનાઓને વેગ મળશે જેનાથી સમાજના પછાત અને ગરીબ વર્ગને ખૂબ ફાયદો થશે
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
