<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

દોઢ વર્ષ પહેલા ગાયનું શિંગડું લાગતા આંખની રોશની ગુમાવી, પણ...ચક્ષુબેંક થકી તેની દુનિયા ફરી બની રંગબેરંગી

એક ચક્ષુદાન પણ નેત્ર વિહીન વ્‍યક્‍તિની દુનિયા બદલવામાં સહાયરૂપ, આપણે સૌ ચક્ષુદાન મહાદાનની ઉદાત ભાવના કેળવીએ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૬: ભુજ ખાતે આજથી દોઢ વર્ષ પહેલા ધોરણ પાંચમાં ભણતો દસ વર્ષનો રોશન (નામ બદલ્‍યું છે )  પોતાની સાઇકલથી શાળા છૂટયા બાદ ઘરે જવા નીકળ્‍યો, જેવો તે પોતાના ઘર તરફની ગલીમાં વળ્‍યો કે માર્ગમાં ગાય આવી ગઈ અને રોશન સાયકલ સમેત ભોંય ભેગો પટકાયો. કમનસીબે ગાયનું શિંગડું તેની એક નાજુક આંખની આસપાસ ગંભીર રીતે વાગ્‍યું.તુરંત જ તેને નજીકની હોસ્‍પિટલમાં લઈ જવાયો, પરંતુ ઘાવ એટલો ઊંડો અને ગંભીર હતો કે રોશને દૃષ્ટિ ગુમાવી દીધી.

આ ઓચિંતી આવી પડેલી આપત્તિથી માતા પિતા આવાચક થઈ ગયા.પુત્રએ કાયમી ધોરણે એક આંખની  રોશની ગુમાવી દીધી તેને લઇ માતા પિતાએ  કલ્‍પાંત કરી મુકયો અને ભગવાનની અજીજી કરી કે ‘હે ભગવાન મારા રોશનને ફરી રોશની આપી દ્યો'.

‘ભગવાનને ઘરે દેર છે, પણ અંધેર નથી' એ ન્‍યાયે બરાબર દોઢે વર્ષે રોશનની માતાને ફોન આવે છે.' એક સજ્જને નિધનપૂર્વે આંખનું દાન કર્યું છે, પુત્રને લઈને આવી જાવ બસ, એક માતાને બીજું વિશેષ શું જોઈએ? પરિજનો હોસ્‍પિટલ પહોંચ્‍યા જ્‍યાં આંખ વિભાગના તબીબોએ રોશનને નવી ચક્ષુ બેસાડીએ સાથેજ રોશનની દુનિયા પૂનઃ સંપૂર્ણ રંગબેરંગી થઈ ગઈ.આ સમગ્ર ઘટમાળ અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્‍પિટલની છે.

 હોસ્‍પિટલની આંખ વિભાગના હેડ ડો.કવિતાબેન શાહે દેશમાં ૨૫મી ઓગસ્‍ટ થી ૮મી સપ્‍ટે. સુધી ઉજવાતા રાષ્‍ટ્રીય ચક્ષુદાન પખવાળિયા નિમિતે કહ્યું કે,અત્રે જી.કે.માં કચ્‍છની એક માત્ર આંખ બેંક છે.છેલ્લા ૫ વર્ષમાં ૧૧૯ દાનવીરોએ આંખનું દાન કર્યું છે અને ૮૨ જેટલા ચક્ષુ વિહિનના  જીવનમાંથી એ દાનના ભાગ રૂપે જ અંધકાર દૂર થયો છે.હોસ્‍પિટલ દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ ચક્ષુદાન માટે જાગળતિના કાર્યક્રમો યોજાશે.એમ ડો. કવિતાબેને કહ્યું હતું.(૨૩.૩)

(10:22 AM IST)