News of Tuesday, 26th August 2025
બોટાદના યુવાને એકના ડબલની લાલચમાં ૨.૫૦ લાખ ગુમાવ્યા
ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ જોઈ કચ્છના અંજારના ઠગની જાળમાં ફસાયો, લોકો લાલચમાં પોતાની મહેનતની કમાણી ગુમાવે છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૨૬: સોનાના સસ્તા બિસ્કિટ ખરીદવાની ઓફર કે એકના ડબલ રૂપિયા કરી આપવાની લાલચ જોઈને ફસાઈ રહેલા લોકો એ નથી વિચારતા કે ઠગો પોતાના જિલ્લા કે શહેરમાં કમાણી કરવાને બદલે શા માટે અન્ય જિલ્લાના કે રાજ્યના લોકોને લલચાવે છે?? લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે વડીલોની એ કહેવત આજે પણ સાચી પડી રહી છે. ઈન્સ્ટાગ્રામ ઉપર કચ્છના અંજારના શખ્સની પોસ્ટ જોઈ એકના ડબલ રૂપિયા કરી આપવાની જાહેરાત જોઈ રૂપિયા ડબલ કરવાની લાલચમાં બોટાદના ગેસ્ટ હાઉસ સંચાલકે પોતાના કમાણીના ૨.૫૦ લાખ રૂપિયા ગુમાવવા પડ્યા હતા. ઠગાઈ ગયા બાદ બોટાદના અશ્વિન રાજુભાઈ બાવળીયાએ અંજારના ૫ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ૨૩/૭ ના ઈન્સ્ટા ઉપર સીબી એન્ટરપ્રાઈઝના નામે ૧ ના ૧૦ લાખની જાહેરાત જોઈ ફોન કર્યો હતો. પણ વ્હોટ્સ એપ ઉપર મેસેજ આવ્યો અને કોન્ટેક કર્યો તો જવાબ મળ્યો એક નહીં પરંતુ અઢી લાખ આપશો પાંચ લાખ મળશે. એટલે પોતાના મિત્ર બીજલ રામાભાઈ મેર સાથે આવેલા અશ્વિનભાઈ અંજાર આવ્યા હતા. અહીં તેમને જયેશ નામના શખ્સે સ્વામિનારાયણ મંદિર પાસે બોલાવી રૂપિયા ભરેલી બેગ ઝૂંટવી ટુ વ્હીલર ઉપર નાસી છૂટયો હતો. આ અંગે જયેશ, સાગર સહિત પાંચ ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે. અંજાર અને ભુજની ચીટર ગેંગ નામ બદલી ઠગાઇ કરે છે. જોકે, પોલીસ ઇન્સ્ટા આઇડી અને સ્વામિનારાયણ મંદિર પાસેના સીસી ટીવી ચેક કરે તો આ ઇસમો સુધી પહોંચી શકે છે. પૂર્વ કચ્છ પોલીસ સીસી ટીવીના ઉપયોગમાં આગળ છે.(૨૩.૨)
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
