<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

ધ્રોલમાં જન્‍મદિવસની પ્રેરણાદાયી ઉજવણીઃ ઉદ્યોગપતિના પુત્રના જન્‍મદિન નિમિત્તે લતીપર ગૌશાળા ખાતે ગૌમાતાને ચૂરમાના લાડુનો ભોગ

મહાદેવ ડેરી ગ્રુપના ધીરેનભાઈ કપુરીયાના પુત્ર રુદ્રના જન્‍મદિવસે લતીપર ગૌશાળામાં ૩૦૦ કિલો લાડુ અર્પણઃ જીવદયા પ્રેમી મનીષભાઈ ઝાલાવાડીયા અને મહાદેવ ગ્રુપ દ્વારા ગૌસેવાની પરંપરાને વધુ ઉજાગર કરાઈ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ,તા.૨૬: ધ્રોલ જન્‍મદિવસની ઉજવણીને ભપકામય પાર્ટીઓથી પરે જઈને સેવા અને જીવદયા સાથે જોડીને સમાજને નવી દિશા ચીંધવાનો ઉત્તમ દાખલો ધ્રોલમાં જોવા મળ્‍યો છે. ધ્રોલના જાણીતા ઉદ્યોગપતિ અને મહાદેવ ડેરી ગ્રુપ સાથે સંકળાયેલા ધીરેનભાઈ કપુરીયાના સુપુત્ર રુદ્રના ગતરોજ, તારીખ ૨૫ ઓગસ્‍ટના રોજ આવેલા જન્‍મદિવસ નિમિત્તે, તાલુકાના લતીપર ગામે આવેલી ગૌશાળા ખાતે એક ભક્‍તિમય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વિશેષ અવસરે સેંકડો ગૌમાતાઓને શુદ્ધ ઘી અને ગોળમાંથી બનાવેલા ૩૦૦ કિલોગ્રામ ચૂરમાના લાડુનો ભોગ અત્‍યંત શ્રદ્ધાપૂર્વક ધરાવવામાં આવ્‍યો હતો. આ સમગ્ર સેવા યજ્ઞનું આયોજન શહેરના પ્રખર જીવદયા પ્રેમી મનીષભાઈ ઝાલાવાડીયા અને સેવાકીય પ્રવૃત્તિઓમાં હંમેશા અગ્રેસર રહેતા મહાદેવ ડેરી ગ્રુપ દ્વારા સંયુક્‍ત રીતે કરવામાં આવ્‍યું હતું.

ધ્રોલ પંથકમાં પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતા મહાદેવ ડેરી ગ્રુપ અને ધીરેનભાઈ કપુરીયાએ તેમના પુત્રના જીવનના આ ખાસ દિવસને અબોલ જીવોની સેવાર્થે સમર્પિત કરીને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્‍યું છે. આ કાર્યમાં જેમનો સિંહફાળો રહ્યો તેવા સેવાભાવી મનીષભાઈ ઝાલાવાડીયા માટે ગૌસેવા એ જીવનનો અભિન્ન હિસ્‍સો છે. તેઓ કોઈ વિશેષ પ્રસંગની રાહ જોયા વગર વર્ષ દરમિયાન નિયમિતપણે ચારથી પાંચ વખત અલગ-અલગ ગૌશાળાઓમાં જઈને પોતાના હાથે ગૌમાતાને પૌષ્ટિક આહાર ખવડાવવાનું પુણ્‍ય કાર્ય કરતા રહે છે.

લતીપર ગૌશાળામાં રુદ્રના જન્‍મદિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમે માત્ર ગાયોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનું જ કામ નથી કર્યું, પરંતુ સમાજના અન્‍ય લોકોને પણ પોતાના વિશેષ દિવસોને આ પ્રકારની સાત્‍વિક અને માનવતાવાદી પ્રવૃત્તિઓ સાથે જોડીને ઉજવવા માટે પ્રોત્‍સાહિત કર્યા છે. મહાદેવ ડેરી ગ્રુપ અને મનીષભાઈ ઝાલાવાડીયાની આ અતૂટ સેવા ભાવનાએ આ કાર્યક્રમને માત્ર એક ભોજન નહીં, પરંતુ સાચા અર્થમાં જીવદયાના મહાયજ્ઞ તરીકે પ્રસ્‍થાપિત કર્યો છે

(10:39 AM IST)