<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

પતિથી અલગ બહેનપણીના ઘરે રહેતી પરિણીતાએ ઝેરી દવા પી લીધીઃ ઇન્‍સ્‍ટાગ્રામ ફ્રેન્‍ડ પર આક્ષેપો

ચિઠ્ઠીમાં લખ્‍યું-મારી પાસે મરવા સિવાય એકેય રસ્‍તો નથી, હિતેષે મરવા મજબૂર કરી નાંખી છે! : જસદણની પરિણીતા રાજકોટ સિવિલમાં સારવાર હેઠળઃ ત્રણેક મહિના સાથે હિતેષ સાથે મિત્રતા થયા બાદ ડખ્‍ખો શરૂ થયોઃ તેના પરિવારજનો પણ પરેશાન કરતાં હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૬: જસદણમાં હાલ પતિથી અલગ બહેનપણીના ઘરે રહેતી ૨૧ વર્ષિય પરિણીતાએ રાતે સાડા દસેક વાગ્‍યે જસદણના બગીચામાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે. ઇન્‍સ્‍ટાગ્રામ ફ્રેન્‍ડ સામે તેણે આક્ષેપો કર્યા છે અને એક ચિઠ્ઠી લખી તેમાં પણ આ વિગતો જણાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

જાણવા મળ્‍યા મુજબ જસદણમાં હાલ પોલીસ સ્‍ટેશન પાછળ પોતાની બહેનપણીના ઘરે રહેતી પરિણીતાએ રાતે સાડા દસેક વાગ્‍ે જસદણના બગીચામાં ઉંદર મારવાની દવા પી લેતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા, ધર્મેન્‍દ્રભાઇ અને પ્રકાશભાઇએ જસદણ પોલીસને જાણ કરી હતી.

તેણીએ જણાવ્‍યું હતું કે તેના લગ્ન ચાર વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક દિકરો છે. તેના પતિ ઓનલાઇન કંપનીમાં ડિલીવરીમેન તરીકે નોકરી કરે છે. તેણીએ વધુમાં કહ્યું હતું કે પાંચેક મહિના પહેલા પતિ મારી સાથે માથાકુટ કરી મારકુટ કરતો હોઇ જેથી હું દિકરાને લઇને નીકળી ગઇ હતી અને ત્‍યારથી બહેનપણીના ઘરે રહુ છું. ત્રણેક મહિના પહેલા ઇન્‍સ્‍ટાગ્રામ મારફત મારો પરીચય જસદણના હિતેષ સાથે થયો હતો અને અમારી વચ્‍ચે મિત્રતા થઇ હતી. હિતેષે અમુક રકમ ઘરમાંથી લઇ લીધી હોઇ અને જમીન લેવા ખર્ચી નાખી હોઇ તેના ઘરના લોકો આ રકમ મેં ઉડાવી દીધી છે તેવા આક્ષેપો કરતાં હોઇ અને હિતેષ પણ હવે માથાકુટ કરતો હોઇ કંટાળીને મેં ઝેરી દવા પી લીધી હતી. આક્ષપોમાં કેટલુ તથ્‍ય છે? તે અંગે જસદણ પોલીસે તપાસ શરૂ કરી છે. (૧૪.૫)

ઝેરી દવા પીધા પુર્વે સ્‍યુસાઇડ નોટ લખી

ઞ્જપરિણીતાએ ઝેર પીતાં પહેલા સ્‍યુસાઇડ નોટ લખી હતી. તેમાં લખ્‍યું છે કે હું હીના મારી જિંદગીથી કંટાળી ગઇ છું, મારી પાસે મરવા સિવાય એકેય રસ્‍તો નથી અને હિતેષના લીધે, એણે મને મરવા મજબુર કરી નાંખી છે. એટલા માટે હું મરુ છું. મને લગ્નની લાલચ આપી હતી, આ કાગળનો ફોટો બધાને નાખી દઉ છું, પોલીસ સ્‍ટેશને પહોંચાડી દેજો. જેથી કરીને કોઇ બીજાની બહેન દિકરી સાથે આવુ ન થાય. ગૂડ બાય. મારી માર તને કહુ છું કે મારી જિંદગીમાં કાંઇ છે નહિ, સોરી મમ્‍મી.

(1:27 PM IST)