હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છની જાણીતી તોલાણી કોલેજમાં વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને લાફો ઝીંકી દેતા ચકચાર : શિક્ષણ જગતને શર્મસાર કરતો બનાવ
પ્રિન્સિપાલના સમર્થનમાં સેંકડો છાત્રો ઉમટયા, બેંચ ઉપર ન બેસવા અને યુનિફોર્મ પહેરવાનું ટોકતા લાફો ઝીંકયો, કચ્છમાં શિક્ષણ જગતમાં સુશીલકુમાર ધર્માણીનું આદરપાત્ર સ્થાન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા., ૨૬ : કચ્છ સહિત ગુજરાતભરમાં જાણીતી આદિપુરની તોલાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રિન્સિપાલને વિદ્યાર્થીએ લાફો ઝીંકી દેવાના બનાવે કચ્છના શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે.
દરમ્યાન સેંકડોની સંખ્યામાં છાત્રો પ્રિન્સિપાલના સમર્થનમાં આવ્યા હતા અને દેખાવો કર્યા હતા. મીડિયા સાથે વાત કરતા આદિપુર તોલાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય સુશીલકુમાર ધર્માણીએ જણાવ્યું હતું કે, ગઈકાલે તેઓ કોલેજ પુરી થયા બાદ બપોરે કોલેજ કેમ્પસના પાર્કીગ એરિયામાં ગયા ત્યારે આ ઘટના બની હતી. અહીં કેટલાક વિદ્યાર્થીઓ યુનિફોર્મ વિના જોવા મળ્યા હતા. આથી તેમણે આ બાબતે ઠપકો આપ્યો હતો અને ઘરે ચાલ્યા જવા માટે કહ્યું હતું.
તે દરમિયાન રાજવીરસિંહ મોહનસિંહ ચાવડા નામનો બીજા વર્ષ બીએમાં અભ્યાસ કરતો સ્ટુડન્ટ ઉશ્કેરાઈ ગયો હતો. રાજવીર નામના આ છાત્રએ થોડા દિવસ પહેલાની એક જૂની ઘટના યાદ કરી ગુસ્સામાં આવી ગયો હતો અને તેમને (પ્રિન્સિપાલને) ગાલ ઉપર તમાચો મારી દીધો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ જો પ્રિન્સિપાલ માફી નહીં માંગે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ બાબતે જાણ થયા બાદ કોલેજ સ્ટાફ અને છાત્રો પ્રિન્સિપાલના સમર્થનમાં આવ્યા હતા. પ્રિન્સિપાલ દ્વારા આ બાબતે છાત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, પ્રિન્સિપાલ શુશીલકુમાર ધર્માણીનું નામ કચ્છના શિક્ષણ જગતમાં આદરપાત્ર સ્થાન છે. તેમ જ તોલાણી કોલેજ પણ વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રતિષ્ઠિત નામના ધરાવે છે. (૪.૧૨)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
