<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th August 2025

રાજકોટમાં બનશે સૌરાષ્ટ્રનું પ્રથમ પેલેટીવ કેર સેન્ટર

વ્યસનોના કારણે દર વર્ષે આશરે ૫,૦૦૦ નવા કેન્સરના કેસ નોંધાય છેઃઆ સેન્ટર કાલાવડ રોડ પર એક એકર જમીન પર બનશે, જેમાં ૭ કરોડ રૃપિયાના ફંડ સાથે ૨૫ બેડથી શરૃઆત થશે

રાજકોટ, તા.૨૬

સૌરાષ્ટ્રમાં તમાકુ, પાન, માવા અને સિગારેટ જેવા વ્યસનોને કારણે દર વર્ષે આશરે ૫,૦૦૦ નવા કેન્સરના કેસ નોંધાય છે, જેમાં ચોથા તબક્કાના દર્દીઓને સૌથી વધુ મુશ્કેલી પડે છે. રાજકોટમાં સૌરાષ્ટ્રનું પ્રથમ પેલેટીવ કેર સેન્ટર કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા શરૃ થવા જઈ રહ્યું છે, જે દર્દીઓને શારીરિક, માનસિક અને ભાવનાત્મક સમર્થન આપશે. આ સેન્ટર કાલાવડ રોડ પર એક એકર જમીન પર બનશે, જેમાં ૭ કરોડ રૃપિયાના ફંડ સાથે ૨૫ બેડથી શરૃઆત થશે અને ભવિષ્યમાં ૫૦ બેડ સુધી વિસ્તારવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં વર્ષે વર્ષે કેન્સરના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને પાન, માવા, તમાકુ અને સિગારેટ જેવા વ્યસનોના કારણે દર વર્ષે આશરે ૫,૦૦૦ નવા કેન્સરના કેસ નોંધાય છે. આમાંથી મોટાભાગના દર્દીઓ ચોથા તબક્કાના કેન્સરથી પીડાતા હોય છે, જેમાં સારવારની શક્યતાઓ ઘણી ઓછી રહે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ૯૦% કેન્સરના કેસ તમાકુના સેવન સાથે સંકળાયેલા છે. ખાસ કરીને જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને રાજકોટ જિલ્લામાં કેન્સરના કેસ સૌથી વધુ જોવા મળે છે. ૧૪થી ૪૦ વર્ષની ઉંમરની મહિલાઓમાં ગર્ભાશયનું કેન્સર, બાળકોમાં લ્યુકેમિયા અને બ્લડ કેન્સર, તેમજ ૬૦ વર્ષથી વધુ ઉંમરના પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર અને મહિલાઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે.

ચોથા તબક્કાના કેન્સરના દર્દીઓ માટે સંપૂર્ણ સારવાર શક્ય નથી હોતી. આવા દર્દીઓ શારીરિક, માનસિક અને આર્થિક રીતે અત્યંત પીડા અનુભવે છે. આ સમયે માત્ર દવાઓ જ નહીં, પરંતુ લાગણીસભર સંભાળ, સહાનુભૂતિ અને મનોબળની પણ જરૃર હોય છે. પેલેટીવ કેરનો મુખ્ય હેતુ દર્દીઓને તેમની અંતિમ સફરમાં સન્માનજનક અને આનંદપૂર્ણ જીવન જીવવામાં મદદ કરવાનો છે. આ સેવા દર્દીની શારીરિક પીડા ઘટાડવા ઉપરાંત તેમની ભાવનાત્મક અને માનસિક જરૃરિયાતોને પણ પૂરી કરે છે, જેથી તેઓ અને તેમના પરિવારને માનસિક શાંતિ મળે.સૌરાષ્ટ્રનું પ્રથમ પેલેટીવ કેર સેન્ટર રાજકોટમાં કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા શરૃ કરવામાં આવશે, જે કેન્સરના દર્દીઓ માટે આશીર્વાદરૃપ સાબિત થશે. આ સેન્ટર કાલાવડ રોડ પર એક દાતાએ ફાળવેલી એક એકર જમીન પર બનશે. હાલમાં ૭ કરોડ રૃપિયાનું ફંડ એકત્ર થયું છે, અને પ્રાથમિક તબક્કામાં ૨૫ બેડ સાથે સેન્ટર શરૃ થશે.ખાસ વાત એ છે કે, અહીં તમામ સારવાર અને સુવિધાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. જો પૂરતું ફંડ મળે, તો સેન્ટરની ક્ષમતા વધારીને ૫૦ બેડ કરવામાં આવશે, જે દેશનું સૌથી મોટું પેલેટીવ કેર સેન્ટર બની શકે છે. ફાઉન્ડેશનનો ધ્યેય આ સેન્ટરને ફાઈવ-સ્ટાર હોસ્પિટલ જેવું અદ્યતન બનાવવાનો છે, જેમાં આધુનિક સાધનો અને સુવિધાઓ ઉપલબ્ધ હશે.કેન્સર કેર ફાઉન્ડેશનના સ્થાપક અશ્વિનભાઈ સોલંકી પોતે કેન્સર સર્વાઈવર છે. ૨૦૧૯માં તેમને કેન્સર ડિટેક્ટ થયું હતું, જે બાદ તેમણે કેન્સર ક્લબની શરૃઆત કરી. આજે આ ક્લબ ૬૦૦ સભ્યોની મોટી સંસ્થા બની ગઈ છે, જે દરરોજ ૫૦થી ૧૦૦ દર્દીઓને સીધી કે આડકતરી રીતે મદદ કરે છે. ફાઉન્ડેશન દ્વારા કેન્સર જાગૃતિ કાર્યક્રમો, મફત વેક્સિનેશન, અને વ્યસનમુક્તિ સેમિનારો જેવા પ્રયાસો દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવે છે. આ સંસ્થા દર્દીઓને માત્ર આરોગ્ય સેવા જ નહીં, પરંતુ માનસિક અને ભાવનાત્મક સમર્થન પણ પૂરું પાડે છે.

આ પેલેટીવ કેર સેન્ટર માત્ર સારવાર જ નહીં, પરંતુ દર્દીઓની ઇચ્છાઓ પૂરી કરવા, તેમનું મનોબળ વધારવા અને તેમને પ્રેમ તથા સહાનુભૂતિ આપવાનું કામ પણ કરશે. ઘણા પરિવારો માટે આવી સંભાળ પૂરી પાડવી શક્ય નથી હોતું, અને આવા સમયે આ સેન્ટર દર્દીઓ અને તેમના પરિવાર માટે આશાનું કિરણ બનશે. ૨૫૦ દાતાઓના સહયોગથી બાંધકામ અને આધુનિક સાધનોની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે, અને ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં સેન્ટર શરૃ થવાની યોજના છે.

(9:32 PM IST)