<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

વાંકાનેરના ઠીકરીયાળીમાં મનવીર ધોરીયાનો વાડીએ ઝેર પી આપઘાત

ત્રીસ વર્ષના યુવાને સારવારમાં રાજકોટમાં દમ તોડયોઃ ખેતી કરવા સાથે ચાની હોટલ ચલાવતો હતોઃ કારણ અકળઃ પરિવારમાં શોક

 

રાજકોટ તા. ૨૭: વાંકાનેરના ઠીકરીયાળી ગામે રહેતાં યુવાને વાડીએ જઇ ઝેરી દવા પી લેતાં સારવાર દરમિયાન રાજકોટમાં દમ તોડી દીધો હતો. યુવાન ખેતી કરવા સાથે ગામના હાઇવે નજીક ચાની હોટલ પણ ચલાવતો હતો.

જાણવા મળ્‍યા મુજબ ઠીકરીયાળી ગામે રહેતાં મનવીરભાઇ બાબુભાઇ ધોરીયા (ઉ.વ.૩૦) નામના યુવાને ગત ૨૪મીએ પોતાની વાડીએ ગયા બાદ ત્‍યાં ઝેરી દવા પી લેતાં પરિવારજનોને જાણ થતાં કુવાડવા સારવાર અપાવ્‍યા બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ ગઇકાલે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભા જોગડા સહિતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

આપઘાત કરનાર મનવીરભાઇ પાંચ બહેન અને બે ભાઇમાં નાનો હતો. તેને સંતાનમાં એક દિકરો છે. તે ખેતી કરવાની સાથે ચાની હોટલ પણ ચલાવતો હતો. તેણે આપઘાત શા માટે કર્યો? તે અંગે પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી હતી. આ બનાવથી માસુમ દિકરાએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારજનોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. અંતિમવિધી બાદ પોલીસ વિશેષ તપાસ માટે મૃતકના સ્‍વજનો, પરિવારજનોના નિવેદનો નોંધવા તજવીજ કરશે. (૧૪.૫)

(11:01 AM IST)