<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

કુવાડવા નજીક જીયાણામાં બંધ કારખાનામાંથી તસ્‍કરો ૭.૯૦ લાખની માલમત્તા ચોરી ગયા

રાજકોટ રહેતાં ચેતનાબેન ધડુક અને તેમના ભાઇ કરણભાઇ વિરસોડીયાની ભાગીદારીનું કારખાનું ખરીદ કર્યા પછી હજુ ચાલુ કર્યુ નહોતું: મશીનરી પડી હોઇ તે તથા કિંમતી પાર્ટસ ચોરી જવાયાઃ એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી

 

રાજકોટ તા. ૨૭: કુવાડવા વાંકાનેર રોડ પર આવેલા જીયાણા ગામે બંધ કારખાનામાં ત્રાટકી તસ્‍કરો મશીન, પાર્ટસ, સીસીટીવી કેમેરા, ડીવીઆર મળી રૂા. ૭,૯૦,૦૦૦ની માલમત્તા ચોરી જતાં તપાસ શરૂ છે. બનાવ અંગે એરપોર્ટ પોલીસે લક્ષ્મીનગર મેઇન રોડ પર મધુવન સોસાયટીમાં રહેતાં ચેતનાબેન મનોજકુમાર ધડુક (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્‍યો છે.

ચેતનાબેન ધડુકે ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું નાના મવા રોડ પર આવેલી આઇસીઆઇસીઆઇ બેંકમાં ઇન્‍વેસ્‍ટમેન્‍ટ ડિપાર્ટમેન્‍ટમાં નોકરી કરુ છું. અમારે જોબવર્કથી પલ્‍ટીપલ પ્રોડક્‍ટ તૈયાર કરવી હોઇ જેથી એક કારખાનુ શોધતા હતા. તપાસ કરતાં જાણવા મળેલુ કે કુવાડવા વાંકાનેર રોડ પર જીયાણા ગામ પાસે વેરીટી સ્‍પીનીંગ મીલ પાછળ ગણેશ એગ્રો નામનું કારખાનુ હોય અને હાલ તે બંધ હોઇ તેમજ બેંક ઓફ ઇન્‍ડિયાનું શીલ હોઇ અમે તપાસ કરી હતી. બાદમાં અમે બેંક ઓફ ઇન્‍ડિયાનો સંપર્ક કરી આ કારખાનુ લેવા માટે મેં અને મારા ભાઇ કરણભાઇ અરવિંદભાઇ વીરસોડીયાએ બેંકમાં વાત કરી હતી.

આ પછી અમે કારખાનુ જોવા માટે એન્‍જિનીયરને સાથે લઇને ગયા હતાં. અમને તે પસંદ પડતાં ભાવતાલ નક્કકી કરી દોઢ વર્ષ પહેલા બેંક પાસેથી આ કારખાનુ અમે લીધુ હતું. જેમાં હું અને મારા ભાઇ કરણભાઇ પાર્ટનર હતાં. અમે આ કારખાનાનું નામ બાલાજી એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીઝ રાખ્‍યું હતું. જો કે કારખાનુ લીધુ ત્‍યારથી બંધ હાલતમાં જ છે, હવે નવરાત્રી આસપાસ ચાલુ કરવાનું હતું. આ કારખાનામાં મયેર કંપનીનું શોર્ટેક્‍સ મશીન હતું. અમે અવાર-નવાર કારખાને આટો મારવા જતાં હતાં અને હજુ એકાદ પાર્ટનરની શોધમાં હતાં.

દરમિયાન તા. ૬/૮ના બપોરે દોઢેક વાગ્‍યે હું કારખાને ગઇ ત્‍યારે સામાન, મશીનનરી જે તે હાલતમાં જોવા મળ્‍યા હતાં. બાદમાં તાજેતરમાં ૨૧/૮ના રોજ ફરીથી હું અને સુરેશભાઇ વિઠ્ઠલાણી, એન્‍જીિનયર રહેમાનભાઇ, નિલેષભાઇ ધડુક સહિતના કારખાને ગયા હતાં. અહિ ચાર શટર હોઇ ત્રણમાં તાળા હતાં, એકમાં તાળુ ન હોઇ ઉચુ કરી જોતાં અંદર મશીનના સ્‍પેર પાર્ટ છુટા છવાયા પડેલા જોવા મળ્‍યા હતાં. તેમજ મશીન ખોલેલા હતાં. આથી અમને ચોરી થયાની ખબર પડી હતી. બાદમાં મેં મારા ભાઇ કરણભાઇ વીરસોડીયાને જાણ કરી હતી. તેઓ પણ આવી ગયા હતા. કારખાનામાં અમે જે સીસીટીવી લગાવેલા હતાં તે પણ ડીવીઆર સાથે ગાયબ હતાં. બાદમાં અમે પોલીસને જાણ કરતાં પોલીસ પણ આવી ગઇ હતી.

કારખાનામાં શોર્ટેક્‍સ મશીન, બીજી સાત જેટલી મોટર, મશીનનું પેનલ બોર્ડ, ટચ સ્‍ક્રીન ડીસ્‍પલે, મશીન ચાલુ કરવા માટેની પેનલ બોર્ડ સહિતની ચીજવસ્‍તુ ગાયબ હતી. આ બધા મશીન, પાર્ટસની કિંમત એન્‍જિનીયર મારફત નક્કી કરતાં કુલ ૭,૪૫,૦૦૦ની ચીજવસ્‍તુઓ અને સીસીટીવી કેમેરા, ડીવીઆરની કિંમત ૪૫૦૦૦ ગણતાં તસ્‍કરો કુલ ૭,૯૦,૦૦૦ની માલમત્તા ચોરી ગયાનું જણાતાં અમે પોલીસને જાણ કરી હતી. એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ આઇ. એન. સાવલીયાની રાહબરીમાં પીએસઆઇ કે. એસ. મિશ્રાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગઇકાલે જ કુવાડવામાં એક સેન્‍ટ્રીંગના ડેલામાંથી રોકડની સાથે સાથે બોલેરો પણ ચોરાઇ ગયાની ફરિયાદ થઇ હતી. ત્‍યાં હવે નજીકના જીયાણામાં કારખાનામાંથી લાખોની મશીનરી ચોરાઇ ગઇ છે. આ ચોરીમાં મોટા વાહનનો ઉપયોગ થયાની શંકા છે. પોલીસે આસપાસના અન્‍ય સીસીટીવી કેમેરા ચેક કરવા તપાસ શરૂ કરી છે. (૧૪.૭)

(11:01 AM IST)