News of Wednesday, 27th August 2025
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કાલે 129મી જન્મજયંતી : જન્મભૂમિ ચોટીલામા ભાવાંજલિ અર્પણ કરાશે
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયમમા ગુજરાતી સાહિત્યની અમર કૃતિઓનો અનન્ય-અનોખો સાહિત્ય સરિતા કોર્નર તેમજ મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના તથા અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા એન. એન. શાહ શાળાના પ્રાંગણમાં નવીન મેઘાણી-પ્રતિમાનું અનાવરણ કરાશે

રાજકોટ તા.૨૭ :'પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવતા અને મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યકાર, સ્વાતંત્ર્ય-સેનાની, સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની 129મી જન્મજયંતી -- 28 ઑગસ્ટ 2025 ને ગુરુવારે -- એમની જન્મભૂમિ ચોટીલા (જિ. સુરેન્દ્રનગર) ખાતે ભાવાંજલિ અર્પણ થશે. નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્કૃતિ-સાહિત્ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્ર-ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે આશયથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી (મો. 9825021279) દ્વારા સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, મદદનીશ ગ્રંથાલય નિયામકની કચેરી (રાજકોટ) તથા શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા આ પ્રેરક આયોજન કરાયું છે.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્મસ્થળ સ્મારક તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે પિનાકી મેઘાણી – ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા સ્થાપિત મનોરમ્ય મેઘાણી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે ગુજરાતી સાહિત્યની અમર કૃતિઓનો અનન્ય અને અનોખો સાહિત્ય સરિતા કોર્નર તેમજ મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના કરવામાં આવશે. અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા એન. એન. શાહ શાળાના પ્રાંગણમાં નવીન મેઘાણી-પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઑગસ્ટ 1896 (શ્રાવણ વદ પાંચમ : નાગ પંચમી, વિક્ર્મ સંવત 1952)ના દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના ક્વાર્ટરમાં થયો હતો. બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી નીડર અને નેક પુરુષ હતા. પુત્રમાં ઉચ્ચ સંસ્કાર સિંચનાર હતાં ધર્મપરાયણ માતા ધોળીમા. પોલીસ-પરિવાર અને પોલીસ-બેડા સાથે ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક સંસ્મરણો તથા સ્મૃતિઓ જોડાયેલ છે. તેઓ લાગણીભેર નોંધે છે : આ પોલીસ-બેડાની દુનિયા અનોખી છે. તમે એમાં ભ્રમણ કરી શકશો નહિ. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો જોઈએ.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રૂ. 25 કરોડના ખર્ચે ભવ્ય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રૂ. 05 કરોડના ખર્ચે અદ્યતન અને સમૃધ્ધ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું નિર્માણ-કાર્ય સુયોગ્ય રીતે પરિપૂર્ણ થયું છે. ટૂંક સમયમાં આ બન્નેનું એક સાથે લોકાર્પણ કરવામાં આવશે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રવાસન, સાંસ્કૃતિક અને વન મંત્રી મુળુભાઈ બેરા તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર (આઈએએસ)નો પિનાકી મેઘાણીએ હ્રદયથી આભાર માન્યો છે.
(આલેખન : પિનાકી નાનકભાઈ મેઘાણી-ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન (મો.9825021279).
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
