<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

કોન્‍ટ્રાકટ તથા રોસ્‍ટર પ્રથા બંધ કરોઃ કોડીનારમાં વાલ્‍મીકી સમાજ દ્વારા રેલી સ્‍વરૂપે આવેદન

રાજકોટઃ ગુજરાત રાજ્‍યમાં વર્ષોથી શોષિત સમાજ એવા વાલ્‍મિકી સમાજના ભાઇ-બહેનોને હાલમાં પણ અન્‍યાય થઈ રહ્યો છે. પરંપરાગત રીતે વાલ્‍મિકી સમાજના ભાઈ-બહેનોને સફાઈ અને ગટરનાં કામમાં જ બાંધવામાં આવ્‍યા હોવાનો અસંતોષ કોડીનાર નગર પાલીકાને સમસ્‍ત વાલ્‍મીકી સમાજ દ્વારા પાવાયેલા આવેદનપત્રમાં વ્‍યકત કરાયો છે. જેમાં જણાવેલ કે, હાલમાં નગરપાલિકા તથા મહાનગરપાલિકાઓમાં સફાઈ અને ગટરના કામ માટે કોન્‍ટ્રાક્‍ટ પ્રથા અમલમાં છે. આ કોન્‍ટ્રાક્‍ટ પ્રથામાં સો ટકા કામદારો વાલ્‍મિકી સમાજમાંથી જ હોય છે. આ સમાજના લોકો પરસેવો પાડી, યાતના સહન કરી સફાઈ કરે છે અને ગુજરાતને સ્‍વચ્‍છ રાખે છે, છતાં જ્‍યારે કાયમી નોકરી આપવાની વાત આવે ત્‍યારે રોસ્‍ટર પ્રથાના આધારે અન્‍ય સમાજના લોકોને સીધી નોકરી આપવામાં આવે છે. આ સૌથી મોટો અન્‍યાય છે. કોન્‍ટ્રાક્‍ટ પ્રથા સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે, તથા સફાઈ-ગટરના તમામ કામમાં કોન્‍ટ્રાક્‍ટ સિસ્‍ટમ રદ કરી સીધી ભરતી દ્વારા કાયમી નોકરી આપવામાં આવે તેવી વાલ્‍મીકી સમાજે માંગ ઉઠાવી છે. ગુજરાત રાજ્‍યમાં ૨૦૧૨થી શિક્ષિત વાલ્‍મિકી સમાજના શિક્ષકો માટે જિલ્લા દીઠ બે સીટ ફાળવવામાં આવતી હતી, જેને રદ કરવામાં આવી છે. આ જિલ્લા દીઠ ૨ સીટની અનામત પુનઃ શરૂ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવાઇ છે. આ આવેદનપત્રની નકલ  (૧) કોડીનાર નગરપાલિકા  (૨) પ્રાન્‍ત કચેરી કોડીનાર  (૩) પોલીસ સ્‍ટેશન કોડીનાર  (૪) કોડીનાર પ્રિન્‍ટ અને ઇલેક્‍ટ્રોનિક મીડિયાને સુપ્રત કરાઇ છે. અમરેલી જિલ્લાનાં ચલાલા અને  ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનારમાં અધિકાર યાત્રા નિકળી હતી.

(1:21 PM IST)