<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th August 2025

જામનગરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધામાં સતત ૧૭ માં વર્ષે પણ ૫૯ સ્પર્ધકો ઉત્સાહભેર જોડાયા

બાળકોના વિભાગમાં નકશ હરેશભાઈ હિંડોચા ચાર લાડુ સાથે બહેનોના વિભાગમાં પદ્મિનીબેન ગજેરા ૭ લાડુ સાથે ભાઈઓના વિભાગમાં નવીનભાઈ હમીરભાઈ મકવાણા ૯ લાડુ સાથે પ્રથમ સ્થાને વિજેતા

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૨૭ :  જામનગર શહેરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા સતત ૧૭ માં વર્ષે ગણેશ ચતુર્થી ના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ વખતે ૫૯ સ્પર્ધકો જોડાયા હતા. બાળકો, બહેનો અને ભાઈઓની ત્રણ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ પુરસ્કાર અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

 જામનગરની સંસ્થા બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા આ વખતે સતત ૧૭ માં વર્ષે ઓપન સૌરાષ્ટ્ર  લાડુ આરોગવાની મોદક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત ખંભાળિયા પોરબંદર રાજકોટ સહિત ના ૫૯ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

 પ્રત્યેક સ્પર્ધકને ૧૦૦ ગ્રામ નો એક લાડુ તથા દાળ પીરસવામાં આવ્યા હતા.

 જેમાં ઘઉંનો લોટ, દેશી ગોળ, જાયફળ, ખસખસ, તથા ડ્રાયફ્રૂટ્સ તથા શુદ્ધ ઘી વગેરે નું મિશ્રણ કરીને લાડુ તૈયાર કરવામાં આવ્યા હતા.

લાડુ સ્પર્ધા બાળકો, બહેનો અને ભાઈઓ એમ ત્રણ વિભાગમાં યોજાઇ હતી, જેમાં બાળકોના વિભાગમાં નકશ હરેશભાઈ હિંડોચા ચાર લાડુ સાથે પ્રથમ સ્થાને વિજેતા બન્યા હતા, જ્યારે રીશીત વિપુલભાઈ આચાર્ય સાડા ત્રણ લાડુ સાથે બીજા સ્થાને, અને વ્યોમ ધવલભાઈ વ્યાસ અઢી લાડુ સાથે ત્રીજા સ્થાને વિજેતા બન્યા છે.

 બહેનોના વિભાગમાં પદ્મિનીબેન ગજેરા ૭ લાડુ સાથે પ્રથમ સ્થાને, પ્રેમિલાબેન વોરા સાડા છ લાડુ સાથે દ્વિતીય સ્થાને, અને જાગૃતીબેન હરણીયા સાડા પાંચ લાડુ સાથે તૃતીય સ્થાને વિજેતા બન્યા છે.

 ભાઈઓના વિભાગમાં નવીનભાઈ હમીરભાઈ મકવાણા ૯ લાડુ સાથે પ્રથમ સ્થાને વિજેતા બન્યા છે, તે જ રીતે જેઠાભાઈ ગોવિંદભાઈ રાઠોડ ૮ લાડુ સાથે બીજા સ્થાને અને શૈલેષભાઈ ગોવિંદભાઈ વૈષ્ણવ ૬ લાડુ સાથે ત્રીજા સ્થાને વિજેતા બન્યા છે તમામ વિજેતા સ્પર્ધકોને રોકડ પુરષ્કાર, મોમેન્ટ વગેરે આપીને પુરસ્કૃત કરાયા હતા. સંસ્થાના પ્રમુખ આનંદભાઈ દવે અને તેઓની ટીમે જહેમત ઉઠાવી હતી.

(3:38 PM IST)