News of Thursday, 28th August 2025
સુરેન્દ્રનગરના ચમારડીમાં ડુબી જવાથી દાદા-પૌત્રના મોત
પૌત્રને બચાવવા દાદાએ નદીમાં ઝંપલાવ્યુ પરંતુ બંન્નેના મોત થતા નાના એવા ગામમાં અરેરાટી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૮ :.. સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના ચમારડી ગામની નદીમાં ડૂબી જવાથી દાદા કરણભાઇ કાનાભાઇ ચાવડા (માલધારી) અને પૌત્ર નરેશ દોલાભાઇ ચાવડાનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ ચુડા તાલુકાના ચમારડી ગામ રહી પશુપાલન કરતા માલધારી સમાજના ચાવડા કરણભાઈ કાનાભાઈ અને તેમના દીકરાનો પૌત્ર ચાવડા નરેશભાઈ દોલાભાઈ પશુઓ ચરાવી પરત આવી રહ્યા હતા ત્યારે ચમારડી ગામના પાદરમાં વહેતી વાસણ નદીના વહેણમાંથી પસાર થતાં હતાં ત્યારે એકાએક પૌત્ર નરેશભાઈ દોલાભાઈ પાણીના વહેણમાં તણાવવા લાગ્યા હતા.
તેને બચાવવા પડેલા તેના દાદા કરણભાઈ કાનાભાઈ ભરવાડ પણ એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા નદીના કાંઠે ઉભેલા લોકોએ ભારે જહેમત થી દાદા પૌત્રને બહાર કાઢયા હતા. અને તાબડતોબ સારવાર માટે ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, ચુડા હોસ્પિટલના ફરજ પર રહેલા તબીબે દાદા પૌત્રને મળત જાહેર કરતા ચમારડી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ચુડા પોલીસ ઘટના સ્થળે પહોંચી નિવેદન આધારે વિગતો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, મળતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે અને પીએમ થયા બાદ મળતદેહ પરિજનોને સોંપવામાં આવશે. (પ-૧૪)
(11:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
